પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
શાળોપયોગી ગ્રંથો

સન ૧૮૨૮ માં ડા. હટન અને બોનિકાસ્ટલનું બનાવેલું 'ગણિત શાસ્ત્રનો અભ્યાસક્રમ' નામનું પુસ્તક કેપ્ટન જર્વિસે બહાર પાડ્યું હતું. આ પુસ્તકમાંથી ગણિતની જૂદી જૂદી શાખાઓના વિભાગોનાં જૂદાં ભાષાન્તરો પણ થયાં હતાં.

ભૂમિતિ:—

સન ૧૮૨૬ માં કેપ્ટન જાવસે લે. કર્નલ પાસ્લેના પુસ્તકનું 'કર્તવ્યભૂમિતિ' નામથી ભાષાન્તર કર્યું હતું અને ૧૮૨૮ માં પોતાના ‘અભ્યાસક્રમ’માંથી 'ભૂમિતિ' નો ભાગ ભાષાન્તર કરીને જૂદો છાપ્યો હતો. સન ૧૮૩૮ માં 'ક્ષેત્રફળ, ઘનફળ' પ્રગટ થયું હતું અને ૧૮૭૬ માં 'ભૂમિતિનાં મૂળતત્વો' નામથી યુક્લિડના પહેલા સ્કંધનું ભાષાન્તર થયું હતું. પ્રો. જમસેદજી અરદેશર દલાલે પણ 'ભૂમિતિ' નું ભાષાંન્તર કર્યું છે.

ત્રિકોણમિતિ—

‘સીધી લીટી ત્રિકોણમિતિ’ નામે એક પુસ્તક ૧૮૨૮ માં બહાર પડેલું જણાય છે.

(૪) વાચનના ગ્રંથો—

દ્વિભાષિક−ઇંગ્રેજીના અભ્યાસની સુગમતા સારૂ અંગ્રેજી ભાષાન્તર પાઠમાળા નામે સ્વ. રે. ટી. એલ. વેલ્સે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં હતાં. ક્રમે ક્રમે અઘરાં થતાં મનોયત્નો અને ઇંગ્રેજી વ્યાકરણની સાથે ભાષાન્તર કરવાની સુગમતા વધે એવી સારી ગોઠવણ આ પુસ્તકોમાં છે. રાજકોટની હાઈસ્કૂલના માજી હેડમાસ્તર રા. પ્રાણજીવન નારાયણદાસ દાક્તરે ‘વેલ્સની પાઠમાળા’ કરતાં વધારે સરળતા આણવાના મુદ્દાથી ‘સુગમ્ય પાઠમાળા’ રચી છે.

હાવર્ડની વાચનમાળાની ચોપડીઓનાં ભાષાન્તરો થયાં હતાં. ક્રિશ્ચિયન વર્નાક્યુલર એજ્યુકેશ્‌નલ સોસાઈટી તરફથી છોકરાંને સારૂ એક વાંચનમાળા લખાઈ હતી. બીજા પાઠોની સાથે તેમાં ખ્રિસ્તિ ધર્મ જ્ઞાન પણ ઉમેરવામાં આવ્યું હતું.