પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

વાચનને માટે પુસ્તકોની ખોટ હતી એ અમે અગાઉ કહી ગયા છઈએ. સ્વ. ફોર્બ્સે પણ પોતાના રિપોર્ટમાં આ ખોટ વિશે વિવેચન કર્યું હતું. આ ખોટ પૂરી પાડવાને સરકારના કેળવણીખાતા તરફથી એક ‘વાચનમાળા’ તૈયાર થઇ હતી. એ તૈયાર કરવાને દેશી ગૃહસ્થોની એક મંડળી નીમાઈ હતી. મી. હોપ એ કમિટિના પ્રમુખ હતા. એ મંડળીએ ક્રમ–વાર સાત ચોપડીઓની ‘હોપ વાચનમાળા’ તૈયાર કરી હતી. આ ચોપડીઓમાં નીતિ, વિદ્યા, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ વગેરેના ગદ્ય અને કવિતાના પાઠ હતા. સાત શિવાય વાચનની એક વધારે ચોપડી લખી હતી. તે કાળમાં બની શકે તેવાં ચિત્રો પણ દાખલ કર્યાં હતાં. આ વાચનમાળાના ગુણ અને દોષ બન્ને નિકળી શકે એવું છે. રાજકોટમાં મજમુદાર મણિશંકર કીકાણીએ પોતાની પુત્રીને શિખવવા સારૂ ‘છોટી બહેનની પાઠાવળિ’ નામે પુસ્તકો લખ્યાં હતાં. આ પાઠાવળિ કન્યાઓને ઉપયોગી હતી. ચેમ્બરના ‘મોરલ ક્લાસબુક’ નામના પુસ્તકનું ગુજરાતી ‘શાળોપયોગી નીતિ ગ્રંથ’ નામે થયું હતું. હોપ વાચનમાળાની ઘણાં વર્ષની અજમાયશ પછી સરકારે નવી વાચનમાળા તૈયાર કરાવી છે. એમાં ‘બાળપોથી’ નવી ઉમેરી છે, અને વિજ્ઞાનના પાઠોમાં છેલ્લી શોધ પ્રમાણે ફેરફાર કર્યો છે. ઇતિહાસ, પૂરાણ, સંસ્કૃત સાહિત્ય, વગેરેમાંથી પાઠ દાખલ કર્યા છે. પદ્યમાં ઘણોજ ફેરફાર કર્યો છે. છેક નિચલા ધોરણોમાંથી ગાવાના રાગ દાખલ કર્યા છે. હાલના કાળમાં સારાં કહેવાય એવાં ચિત્રો પણ દાખલ કર્યાં છે. હોપ વાચનમાળા વખતે કર્યું હતું તેમ આ વખતે કમિટિ નીમેલી ન હોવાથી એક જ વ્યક્તિને માથે બધું કામ આવી પડવાથી આ વાચનમાળામાં પ્રાન્તભેદ અને બીજી ભૂલો પેસવા પામી છે.

(૫) કુંચીઓ−અર્થ–પરચુરણ—

જૂદા જૂદા અર્થની ઘણી ચોપડીઓ નીકળી છે. જૂના વખતમાં ‘સંસારવેવારની ચોપડી’ નામે ઉપયોગી પુસ્તક ઘણું વપરાશમાં હતું. આ પુસ્તકમાં આંક, વાચનના પાઠ, અંક ગણિતના મૂળતત્વો, લેખાં, સરાફીનામું, વીગેરે ઘણી બાબતોનો સમાવેશ કર્યો હતો. સુકનાવળિને પણ