પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩
સાહિત્ય.

પ્રખ્યાત શાકુન્તલનાં કેટલાંક ભાષાન્તર*[૧]થયાં છે. રા. દલપતરામ ખખ્ખર, રા. ઓ. ઝવેરીલાલ યાજ્ઞિક અને રા. બળવંતરાય ઠાકોરનાં ભાષાન્તરો પ્રજામાં વંચાયાં છે. સ્વ. કવિ નર્મદે પણ ‘સાર શાકુન્તલ’ નામનું નાનું નાટક નાટકશાળા સારૂ લખ્યું છે. શબ્દશઃ ભાષાન્તર ન હોવાથી અમે એને કાલીદાસના અનુવાદ તરીકે લેખવતા નથી.

રા. ખખ્ખરે મૂળ સંસ્કૃત ઉપરથી નહિ પણ પરશુરામ પંત ગોડબોલેના મરાઠીમાં કરેલા ભાષાન્તરનું ભાષાન્તર કરેલું છે. ગદ્ય ભાગનું ગદ્યમાં અને પદ્યનું –સમશ્લોકી નહિ પણ–પદ્ય રાખ્યું છે. આ નાટકની બીજી આવૃત્તિ થવા પામી છે, અને તે વખતે રા. ખખ્ખરે તેમાં ફેરફાર અને વધારો ઘટાડો કર્યો છે. બેસમજની બલા દૂર એ પ્રમાણે ઉપર ચોટીઆ જોનારને તો ભાષાન્તરનું કામ સહેલું જણાય; પરંતુ મૂળ કવિના રહસ્યને નવી પોતાની ભાષામાં મૂકવું એ ઘણુંજ કઠણ કામ છે. તેમાં એ કાલીદાસ જેવા કવિની ભાવભરી અને રસમય બાની ! પદ્યના અનુવાદમાં નવી દેશીયો અને રાગ દાખલ કરીને સાધારણ માણસો પણ વાંચે અને રસાસ્વાદન કરે એમ કર્યું છે. ભાષા સરળ અને કોઈ કોઈ જગાએ મૂળ મરાઠીમાંથી ઉદ્‌ભવ પામ્યાની પ્રતીતિ થાય છે. ભાષાન્તર જોતાં અનુવાદક કવિની ભાવનાઓ, કવિનો રસ અને તેનું રહસ્ય સમજ્યા હોય નહિ એમ જણાય છે. જાતે શાકુન્તલજ દુનિયામાં પ્રસિદ્ધિ પામેલું અને સુંદરતામય નાટક હોવાથી જતે જતે પણ એની સુંદરતાનો તાગ આવતો નથી અને તેથીજ આ ભાષાન્તર ઠીક જણાય છે. કાલીદાસ કવિનો ભાવ ભાષાન્તરમાં આણવો એજ બહુ છે. એટલુંએ કરે તો અનુવાદકે વિજય મેળવ્યો લેખાય. એવા અપૂર્વ કવિની કૃતિમાં ઉમેરો કરવાને બીજો કાલીદાસજ જોઇએ. હાલના અનુવાદકો कियतिमात्रा ? આ શુદ્ધ સો ટચના સોનામાં રાયનો ભેગ કરવો એ કેવળ એની કિંમત ઘટાડનારજ થઇ પડે છે. રા.


  1. *તડના બંધારણ વખતે હલકી જાત–કુળનો માણસ દાખલ થઇ ગયો હોય તેને નાતના સ્થાયી થઈ જવા પછી કાઢી મૂકવો ઉચિત નથી. એ ન્યાયે અમે 'ભાષાન્તર' શબ્દ ઘણો રૂઢ થઈ ગએલો હોવાથી રહેવા દીધો છે.