પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
સાહિત્ય.

'...રા. બળવંતરાયના ભાષાન્તરમાં યતિભંગનાં અને અક્ષરમેળ ને માત્રામેળ ગણી કાઢ્યાનાં થોકબંધ ઉદાહરણો છે. અને યદ્યપિ एकोहि दोषो गुण सन्निपाते निमग्जतान्दो: किरणेष्विवाङ्क:એ ન્યાયે આ એક દોષ એ ભાષાન્તરના બીજા ગુણોમાં ડુબી જવો જોઈએ, તથાપિ જેઓ કવિતા કાનને કર્કશ લાગે તો તે તદૃન નકામી એમ આગ્રહ ધરે છે, તેઓ स्याद्वपु: सुन्दरमपिश्चित्रेणैकेन दुर्भगम् । મ્હોં ગમે તેવું રૂપાળું તો પણ કોઢવાળું એ ન્યાયનો ઉપયોગ કરી આ એક દોષમાં બીજા બધા ગુણોને ગરક થતા માને તો તેઓને એકદમ અટકાવી શકાય એમ નથી.'*[૧]રા. યાજ્ઞિકની ભાષામાં પ્રસાદ છે તેથીજ એમનું પુસ્તક કેટલીક ખામીઓ છતાં પણ રા. ઠાકોરના મૂળને વધારે અવલંબીને લખાયેલા ભાષાન્તરની સાથેની સ્પર્ધામાં પોતાની પદ્ધિ નિભાવી શક્યું છે. કાલીદાસની અનેક ખૂબીઓમાં તેના સુંદર અર્થ અને સુંદર શૈલી બન્નેમાંથી પ્રગટતું માધુર્યભર્યું ગૌરવ છે. રા. ઠાકોરના અનુવાદમાં સુંદર શૈલીને અભાવે તે ન પ્રગટ થતાં ભાષાન્તર શુષ્ક લાગે છે.

ઘણાં પુસ્તકોનો હુંડો લેતાં દરેકને માટે લંબાણથી વિવેચન કરવું ઈષ્ટ નથી. તેમજ તેમાંથી લાંબાં લાંબાં અવતરણો આપવા જેટલો સ્થળ અને કાળનો અવકાશ પણ નથી; તોપણ નમુના તરીકે ત્રણે અનુવાદમાંથી અમે નીચે થોડો ઉતારો આપીએ છઈએ, જેથી વાંચનારને અમારા કહેવાની પ્રતીતી તેમજ એ ભાષાન્તરોની તૂલના કરવાની સુગમતા થાય. હજુએ તદ્દન મૂળને અવલંબીને લખાયલા, કવિના હૃદયના ભાવનું તાદૃશ ચિત્ર પાડતા, રસ અને પ્રસાદથી ભરેલી શલીવાળાં બીજા ભાષાન્તરની ગુજરાતીમાં જરૂર છે. અમને જાણીને આનંદ થાય છે કે આ નાટકનો ખાસ સંભાળથી લખાયલો ચોથો અનુવાદ કોઈ વિદ્વાને તૈયાર કર્યો છે. અમારી સાઠીમાં પ્રગટ ન થવાને લીધે એના સંબંધી વિવેચન કરવાનું આનંદદાયક કામ અમારે ભાગે આવ્યું નથી. શાકુન્તલના પાંચમા અંકમાંથી દરેક ભાષાન્તરમાંથી થોડાં અવતરણ આપીને અને તેમને મૂળની સાથે સરખાવવાની વિનતિ કરીને જ અટકશું.


  1. વસન્ત : પુ. ૫, અંક ૧૧.