પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધર્મપાલજી
93
 

બાપાજી ! હું કહેતી હતીને, તે મારા ચોરભાઈ જ આવેલ છે. તમે જલદી એમની કને ચાલોને, બાપાજી !”

શામળની દૃષ્ટિ રાત કરતાં અત્યારે વધુ સ્વસ્થતાથી દીવાલો પર ફરવા લાગી. પંડિત ધર્મપાલના ઘરની મૂગી ભીંતો પણ સકલ ધર્મોના સંપના જ બોલ બોલતી હતી. કૃષ્ણ, શિવ અને ઈસુની તસવીરો લટકતી હતી. ધર્મે-ધર્મના આદ્યપુરુષોની વાણીમાંથી ચૂંટેલાં સૂત્રો શોભતાં હતાં. ઓરડામાંથી ધૂપની ફોરમ ચૂતી હતી.

આગળ છલંગો મારતી વીણા ને પાછળ પંડિત ધર્મપાલ ચાલ્યાં આવે છે. એ ગૌર ગૌર અને ચળકતો કદાવર દેહ ચાખડીઓ ઉપર ચડેલો હોવાથી વિશેષ ભવ્ય ભાસે છે. જાણે ચાંદનીમાં ધોયું હોય તેવું સ્વચ્છ શ્વેત ધોતિયું અને બદન પર કફની આકારનો રેશમી લાંબો ઝભ્ભો ઝોલાં ખાય છે. કંઠમાં લટકતું એક સોનાનું ચકતું પણ સમગ્ર પંથોનાં ચિહ્નોથી અંકિત છે. કેળવી કેળવીને કુમાશદાર કરેલો એમનો સ્વર છે, આંખોનાં પોપચાં જાણે ચિંતનને ભારે ઢળી ગયાં છે, લાંબા કેશમાંથી કોઈ સાત્ત્વિક તેલની ખુશબો પમરે છે, દાઢી પણ ઓળેલી – જાણે કોઈ પ્રવાહી-શી છે.

“એ જ મારા ચોરભાઈ, બાપાજી !” વીણા એક વધુ વાર બોલી. એના મોં પર કોઈ સ્વજન-મિલાપનું સુખ નાચી રહ્યું.

“જે જે, સાહેબ !” શામળ ઊઠીને નમ્યો.

“જય જય, ભાઈ ! તમે પોતે જ ગઈ રાતે આંહીં પેઠેલા ?”

“જી હા.”

“ભારી વિચિત્ર ! બેસો, બેસો.”

“આપ એમ ન ધારશો, સાહેબ ! –” શામળ ઉતાવળે બોલી ઊઠ્યો, કે “હું ભિક્ષા માગવા અથવા ફાળો કરવા આવ્યો છું, મને તો આ નાની બહેને આવવા કહ્યું તેથી આવ્યો છું.”

“કશી ફિકર નહીં, ભલે આવ્યા તમે. વીણાએ કહેલી વાત જો સાચી હોય તો તમને હું બહુ જ ખુશ થઈને મદદ કરીશ.”