પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધર્મપાલજી
97
 

“સાચે જ શું મારો ઉદ્ધાર થઈ શકશે, સાહેબ ? હું આ પાપને કેમ કરીને ભૂલી શકીશ ?”

“જિંદગીની એવી થોડીક વાતોને આપણે મરણ પર્યંત ન ભૂલીએ એ જ સારું છે. પરિતાપનો ડંખ તો છોને છેલ્લી ઘડી સુધી ચાલુ રહેતો, ભાઈ !”

“પણ હવે તો મારે એકડે એકથી શરૂ કરવું રહ્યું. ફરી વાર પાછો હું ભૂખમરાને પગથિયે જ પ્રયાણ કરીશ.”

“ના ભાઈ ! ભૂખે દેહ પાડવો એ મનુષ્યનું કામ નહીં. તું મને તારા પ્રતિ ઉપયોગી થવા દે. હું તને કામ શોધી આપીશ.”

“એ આપનો ઉપકાર. પણ મને એકલાને જ એ લાભ શા માટે ? મારા જેવાં બીજાં હજારોનું શું ? આ પશ્ચાત્તાપનો ગેરલાભ ઉઠાવી હું આપની મદદ પામું, તો તે શું સ્વાર્થ નથી ?”

“શું કરીએ, બેટા ? આપણે બધાનો બોજો કેમ કરી ઉઠાવીએ ? હું તો મારા ગજા મુજબ પરકલ્યાણ કરી શકું. તારો ને મારો યોગ થયો તો તને સહાય કરી શકું છું. ને કોને ખબર છે, તું મારી કને હોઈશ તો મને તું પણ મદદગાર થઈ શકીશ. ઓહોહો ! ધર્મક્ષેત્ર બહોળું છે. એની લણણી સારુ મનુષ્યો કમતી છે. એટલું બધું કાર્ય મારા માનવસેવા સંઘમાં પડ્યું છે કે તું હજાર રીતે મને એ માનવ-હિતમાં સહાય કરી શકે.”

“ઓહો! આપ એ રીતે વિચારો છો ?”

“હા જ તો. તેં જ્યોતનાં દર્શન કર્યા છે. નવું જીવન જીવવાનો તને અભિલાષ છે. માટે આંહીં જ રહે. આ લક્ષ્મીનગર જેટલી લોકસેવાના દીક્ષિતોની જરૂર તો બીજે ક્યાં હોઈ શકે ?”

નાની વીણા, જે અત્યાર સુધી આ વાર્તાલાપનું અમૃતપાન કરતી ચૂપ બેઠી હતી, તે ઊઠી, શામળની કને આવી, એના હાથમાં પોતાનો હાથ મૂકીને બોલી : “જરૂર જરૂર. તમે આંહીં રહો !”

“તો ભલે, હું રહીશ.”