લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
102
સત્યની શોધમાં
 

 “કાલે રવિવાર છે. સવારે તું ત્યાં આવ. વિનોદબહેનનો મેળાપ ત્યાં આપણા મંદિરમાં થઈ શકશે.”

બીજે દિવસે પ્રભાતે શામળ તેજુની જોડે ભુવનેશ્વર હિલ પરના પ્રાથનામંદિર પર હાજર થયો. તેજુ કંઈક ઉંમરલાયક દેખાય તે માટે માએ એને પરણેલી સ્ત્રીની ઢબમાં છાયલું પહેરાવેલું. એના ટૂંકા વાળના અંબોડાની અંદર એક કાળી ઊનનો ગોટો ઘાલ્યો હતો કે જેથી અંબોડો મોટો લાગે.

લૅન્ડોર, રૉલ્સ રૉઈસ, ટુ-સીટર વગેરે એક પછી એક આવીને ઊભી રહેતી મોટરો વચ્ચે થઈને જ્યારે શામળ અને તેજુ માંડ માંડ મંદિરને પગથિયે ચડ્યાં, ત્યારે દૃષ્ટિ ભૂલી પડી જાય, આંખો અંજાઈ જાય, આભા બની જવાય, અલૌકિકતા ભાળીને મીઠો ગભરાટ છૂટે તેવો મામલો મચ્યો હતો. ઈમારતની બાંધણી અદ્‌ભુત હતી. મોટરોમાંથી ટપોટપ ઊતરતાં સ્ત્રી-પુરુષો પણ કોઈ સ્વર્ગલોકમાંથી જ આવતાં હતાં જાણે. શા પોશાક ! શાં એ લાવણ્ય ! શાં ગરવાં ગોરાં મુખકમળો ! શો મરોડ સહુની ગતિનો ! તેજુને થયું કે ઈશ્વર આંહીં ન આવે તો બીજે ક્યાં જાય ? પ્રભુનાં લાડકવાયાં લોક આવાં ન હોય, તો બીજાં કોણ આવાં હોય ?

ધૂપ, દીપ અને સંગીત થકી તરબોળ બનેલા એ આલેશાન ખંડમાં એક બાજુ પુરુષોની ખુરશીઓ હતી, બીજી બાજુ સ્ત્રીઓની : સામેના સિંહાસન ઉપર શ્રી ધર્મપાલજીના મુખથી જ્ઞાનામૃતની ધારાઓ વહેતી હતી. ‘દેશની ગરીબી અને ધર્મનું અધ:પતન’ ઉપર એ જ્યારે બોલતા હતા, ત્યારે એમનો સોનેરી છેડાવાળો દુપટ્ટો અને રેશમી કફની વીજળી-પંખાના વાયુ-હિલ્લોલ વડે લહેરાતાં હતાં. ને લહેરે લહેરે સાત્ત્વિક કોઈ સેન્ટ-અર્કની બો છૂટતી હતી.

તેજુને શામળે આગળની બેઠક પર બેસારી, ત્યારે એનું મોં ભયભીત હરણી જેવું હતું. પછી જેમ જેમ બીજાં શ્રીમંત બૈરાં આવતાં ગયાં, તેમ તેમ “બાઈ, તું જરા પાછળ બેસજે !” એમ કહી કહી