વિનોદબહેનની આંખો તેજુના ઓઢણામાં ભાતભાતનાં થીગડાં ભાળી, કુતૂહલ પામતી હતી કે આ થીગડાં શું શોભા માટે હશે !
“તું અમારી મિલમાં કામ કરે છે, તેજુ ? અને આટલી દુર્બલ ! અરેરે ! કેટલું ક્રૂર કહેવાય !”
એણે બટન દાળ્યું. બહાર ઘંટડી વાગી. નોકર આવ્યો. વિનોદિનીએ આદેશ દીધો : “નીચેથી સુમિત્રાબાઈને મોકલો.”
બંગલાની વહીવટ કરનાર બાઈ સુમિત્રા આવી. વિનોદિનીએ કહ્યું : “જુઓ સુમિત્રાબાઈ ! આ તેજુબાઈ છે. એને આપણા બંગલામાં જ કશુંક કામ આપો. કામ બહુ સખ્ત ન હોવું જોઈએ.”
“પણ બાઈસાહેબ, એવું કશું કામ છે નહીં.”
“કાંઈ ફિકર નહીં, તમે તમારે એને રોકી લો. નીચે લઈ જઈને કામ બતાવો. એને કયું કામ ફાવશે તે સમજી લો. જા, તેજુ !”
તેજુ સુમિત્રાબાઈ સાથે નીચે ગઈ. શામળ પોતાની દેવીની સન્મુખ એકલો પડ્યો. એનાં નેત્રો ધરતી પર ઢળેલાં હતાં. એના હૃદયમાં દિત્તુ શેઠના ઉદ્ધારની જ વાત રમી રહી હતી. ગઈ કાલે ધર્મપાલજીના નબળા જવાબો સાંભળ્યા પછી એણે નક્કી જ કરેલું કે આ કાર્ય વિનોદબહેનને હાથે જ કરાવવા જેવું છે. પોતે જ્યાં એ વિષય છેડવાની તૈયારી કરતો હતો, ત્યાં તો ખુદ વિનોદબહેને જ એ પ્રકરણ ઉખેળ્યું :
“તમે મારા દિત્તુભાઈની નોકરી શા માટે છોડી, હું શામળજી ?”
“આપની પાસે એ બધું કહેવું ગમતું નથી.”
“મને તો કહો ! નહીં કહો ?”
ધીરે અવાજે શામળ બોલ્યો: “એ દારૂ પીએ છે તેથી મેં છોડી.”
“દારૂ !”
“જી હા, એ છાકટાવેડા મેં નજરે જોયા.”
"ક્યારે ?”
“ગયા બુધવારની રાતે.”
“શું બન્યું ? આખી વાત કહો તો.”