પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

1

ફારગતી

ઢાર-ઓગણીસ વર્ષની ઉંમરનો જુવાન શામળ જ્યારે પોતાને રામપુર ગામથી બપોરે પગપાળો સ્ટેશને આવીને ઊભો રહ્યો, ત્યારે ગાડી આવવાને હજુ ત્રણ કલાકની વાર હતી. સાંધાવાળાને એણે પૂછી જોયું : “આગલું સ્ટેશન ભદ્રાવાવ કેટલું દૂર હશે ?”

“ચાર ગાઉ – ચાર દુ આઠ મૈલ.”

“કેટલી ટિકિટ લાગે ?”

“ત્રણ આના.”

શામળને વિચાર થયો : તો પછી આંહીં શા સારુ ત્રણ કલાક બગાસાં ખાતો બેઠો રહું ? કલાકના બે ગાઉના હિસાબે બે કલાકમાં તો હું રમતો રમતો ત્યાં પહોંચી જઈશ. ને ત્યાંથી જ નવીનાબાદની ટિકિટ કઢાવીશ. સહેજે ત્રણ આનાની બચત થઈ જશે.

પોતાની પાસે બે જોડ કપડાંની બગલથેલી ઉપરાંત બીજો કશો સામાન નહોતો. પાતળા તોયે ખડતલ પગવાળો જુવાન ગાડીને પાટે પાટે મોટી ડાંફો ભરીને ચાલવા લાગ્યો.

શામળ એક વ્યાપારી-ખેડૂતનો દીકરો હતો. રામપુરમાં એના બાપનાં ખેતરવાડી હતાં અને ધીરધારનો ધંધો પણ હતો. રામપુર નહીં નાનું તેમ નહીં મોટું એવું એક કસબાતી ગામ હતું. પોતે એ ગામની એંગ્લો-વર્નાક્યુલર શાળામાં ચારેક ધોરણ અંગ્રેજી પણ ભણ્યો હતો. પછી બાપની મદદમાં રહી, હિસાબ વગેરે રાખતો. રામપુર રેલવેલાઈનથી