17
ભીમાભાઈ
શામળ હવે ધરતી પર નહીં, પણ અધ્ધર હવામાં ચાલી રહ્યો છે. તેજુ અને પોતે ઠેકાણે પડ્યાં; દિત્તુભાઈ શેઠના ઉદ્ધારનો પ્રશ્ન રસ્તે ચડી ગયો; એ બધા પ્રતાપ ધર્મના, પોતે વિશ્વબંધુ-સમાજની ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયો, ધર્મપાલજી જેવા કાંડું ઝાલનાર ધર્મપુરુષ સાંપડી ગયા, એટલે આ બધી સૂઝ પડી. સાચે જ ધર્મ છે તે તો મોટી વાત છે. જીવનની તમામ આંટીઘૂંટીનો ઉકેલ ધર્મ કરી આપે છે. એવી એક ધર્મસંસ્થાની - અને ધર્મના સ્તંભ સમ પુરુષની નજીક રહેવાનું મળ્યું એ મારું અહોભાગ્ય છે.
એકાએક એનું ધ્યાન ખૂણા પર ‘પેસ્તનજી એદલજી ઉમરીગરની કંo’ના પાટિયા પર ગયું. એણે કહ્યું : “તેજુબહેન, પેલી દુકાને મારો દોસ્ત છે; લક્ષ્મીનગરમાં મને પહેલવહેલો અન્ન દેનારો. છે તો દારૂ વેચનાર, પણ કેટલો દયાળુ છે !”
એમ વાત કરે છે ત્યાં તો એના ભેજામાં નવી ઘૂરી આવી: ભીમાભાઈ જેવા અશરાફ ભાઈબંધની કેવી એ અધોગતિ કે એને દારૂનો ધંધો કરવો પડે ? એનો ઉદ્ધાર હું કેમ ન કરું ? આવી સમર્થ ધર્મસંસ્થાની મારે લાગવગ બંધાઈ, તો ભીમાભાઈ જેવાને શિરેથી આ પાપનાં પોટલાં કેમ ન છોડાવું ? મારી તો એ ફરજ છે. એને કોઈ નીતિનો રોટલો બંધાવી દઉં, તો એ બાપડો નરકમાં પડતો અટકશે.
“તેજુબહેન !” એણે કહ્યું, “તું ઘેર જા, બાપા ! મારે થોડું કામ છે. હું થોડી વારે આવી પહોંચું છું.”
એમ તેજુને વળાવી, વાયુ વેગે શામળ પીઠા ઉપર પહોંચ્યો. “ભીમાભાઈ, રામરામ !”
“રામરામ ! ઓહો ભાઈબંધ !” પીઠાના થડા ઉપર અઢારે કલાક ખીલા જેવા પગ ખોડીને ખડા રહેનાર ભીમાભાઈએ શામળને સત્કાર