પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમાભાઈ
115
 

છું કે નહીં ?”

થોડે દિવસે શામળ ધર્મપાલજીની પાસે પહોંચ્યો. એનું નામ પડતાં જ પંડિતજીને માથામાંથી ચસકા આવવા માંડ્યા. શામળે જઈને ભીમાભાઈની આખી વાત રજૂ કરી. એની વાત કરવાની રીતથી ધર્મપાલ ચમક્યા. એક કારકુનને પણ પ્રાર્થના, ઉપદેશ, વાર્તાલાપો વગેરેમાં સરખે દરજ્જે હાજર રહેવા દેવામાં ભૂલ થઈ છે. એને ટપ ટપ બોલતાં ને વિચારતાં આવડ્યું છે; અપાત્ર વિદ્યા પડી ગઈ !

“ભાઈ શામળ, આ તો હવે અવધિ થઈ. હું લક્ષ્મીનગરમાં સહુને ધંધો અપાવી ન શકું,” એ કંટાળીને બોલ્યા.

“પણ પંડિતજી,” શામળ જીવ ખાવા લાગ્યો, જળોની માફક ચોંટ્યો, “આપ સમજો તો ખરા ! આ માણસ પાપનો ધંધો લઈ બેઠો છે, કેમ કે એને બીજું ચોખ્ખું કામ નથી જડતું. એને શુદ્ધ જીવન જીવવાની તક નહીં આપો ?”

“હું એ બધું સમજું છું, શામળ !”

“પણ એને તક ન આપો તો પછી એને સુધારવા મથવાનો અર્થ શો ?”

ધર્મપાલજીને જાણે વીંછીએ ચટકો ભર્યો. થોડી વાર કડવી ચુપકીદી રહી. પછી ધર્મપાલજીએ કહ્યું : “જો ભાઈ, તને સમજાવવાનું કામ વ્યર્થ છે. પણ તારે આટલી ગાંઠ વાળવી પડશે, કે દુનિયામાં કામધંધા વિના વલખાં મારતાં બેસુમાર માણસો છે, ને તેની સામે કમભાગ્યે કામ ઓછાં છે.”

“જી હા, તે તો પ્રોફેસર ચંદ્રશેખર પણ કહેતા હતા. એ તો એ જ વાત શીખવે છે, છતાં તમે કહેલું કે એ શિક્ષણ ઝેરી છે. નહીં ?”

“અં… અં… અં…” ધર્મપાલજી હોઠ પલાળવા લાગ્યા.

શામળનો સન્નિપાત જોર પર આવ્યો : “તો તો પછી પ્રોફેસરસાહેબના ગુરુ હર્બર્ટ સ્પેન્સરની જ વિદ્યા સાચી ઠરી ને ? માણસો વધુ છે, ધંધા થોડા છે, માટે માણસોએ લડવું રહ્યું. એટલે કે જીવન