પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
સત્યની શોધમાં
 

એક સંગ્રામ છે, ને સ્વાર્થી હોય તે જ તેમાં ટકે છે. બાપડો ભીમાભાઈ જો પીઠાને થડે ન બેસે, તો બીજો જે પાપી બનવા તૈયાર હોય તે બેસી જાય, ભીમોભાઈ ખલાસ થાય ને પેલો ફાવી જાય. એ તો આપ જોઈ શકો છો ને ?”

“હા ભાઈ !” ધર્મપાલજી નાસીને ક્યાં જાય ?

“આપ જ કહેતા હતા કે એ હાલતમાંથી બચવાનો એક માત્ર રસ્તો બીજાને માટે જીવીને બીજાઓની સેવા કરવાનો છે. ત્યારે આ હું શું એ નથી કરી રહ્યો ?”

“સાચું ભાઈ, પણ આપણે શું કરી શકીએ ?”

“એમ કેમ કહો છો ? આપ તો સમાજના ને મંદિરના છત્ર છો. આપે અનુયાયી વર્ગને આ વાત કહેવી જ જોઈએ, કે જેથી આખી સ્થિતિમાં પલટો થાય.”

“પણ શો પલટો, ભાઈ ?”

“એ તો મને પણ સૂઝતું નથી, સાહેબ. પણ એક વાત હું સમજું છું : અમુક મનુષ્યોની કને બેસુમાર નાણાં છે. આપના અનુયાયી મંડળમાં જ શું એવા લોકો નથી, કે જેની પાસે સો વર્ષે પણ ન ખૂટે તેટલી સંપત્તિ ભરી છે ?”

“તે હશે, પણ તેથી શી હાનિ છે ?”

“હાનિ, હાનિ ! – હાનિ એ કે બીજા હજારોની કને એ કારણે જ દમડીયે નથી રહી. વિચારી જુઓ – કે અત્યારે, આ ક્ષણે જ આ લક્ષ્મીનગરમાં ભૂખમરાથી મૃત્યુને શરણ થઈ રહેલ કેટલાં મનુષ્યો છે. તેઓ કામ માગે છે. તેઓને સારુ કામ નથી ! આપ મારી સાથે જોવા ચાલશો ? ધર્મપાલજી, લીલુભાઈ શેઠની જ મિલમાં કામ મેળવવા સારુ વલખાં મારતી છોકરીઓ છે. છતાં લીલુભાઈ શેઠ એને કામ દેતા નથી.”

“એમાં તો બીજું શું થાય, ભાઈ ? કાપડનો જથ્થો બહુ વધી પડ્યો છે.”

“ખોટી વાત. અનેક લોકોની કને નગ્નતા ઢાંકવાને સારુય કાપડ