પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમાભાઈ
117
 

ક્યાં છે ? આ મારી બહેન તેજુના ઓઢણામાં થીગડાં તો જુઓ ! –”

“પણ તેઓની કને કાપડ ખરીદવાનાં નાણાં ન હોય તેમાં કોઈ શું કરે ?”

“હં-હં – બરાબર મેં કહ્યું તે જ આવીને ઊભું રહ્યું. તેઓ કને નાણાં નથી, કેમ કે નાણાં બધાં શ્રીમંતોને ત્યાં સંઘરાયાં છે.”

કશો જવાબ મળ્યો નહીં. ધર્મપાલજીના મોં પર કંટાળો હતો, પણ શામળની દૃષ્ટિ જાડી થઈ ગઈ હતી. એણે તો અંતરની વરાળ ઠાલવવા માંડી : “શા માટે લીલુભાઈ શેઠ ગરીબોની સામે મિલોને તાળાં મારે છે ? પોતાને કાપડ વધી ગયું હોય તો પછી પોતાની મિલમાં મજૂરોને સહુને પોતપોતાને સારુ કાપડ કાં ન બનાવવા આપે ?”

“એ તો છેક મૂર્ખાઈની જ વાત થઈ, શામળ !”

“કેમ સાહેબ !”

“તો તો તે લોકો વરસ આખાની પોતાની જરૂરિયાત કરતાંયે વધુ કાપડ એક દિવસમાં કાઢી નાખશે.”

“તો તો વધારે સારું. વધારાનું કાપડ તેઓ બીજાં જેઓને જરૂર હશે તેને આપી શકશે – ને એ બીજા લોકો તેઓને એ કાપડની બદલીમાં બીજી ચીજો પૂરી પાડશે. મારી તેજુબહેનનો જ દાખલો લ્યો; એને કાપડ ઉપરાંત જોડાની, ઘરની, દવાની ને વધુમાં વધુ તો પેટપૂરતા અનાજની જરૂર છે. વળી આપ કહેશો કે જગતમાં સહુને સારુ પૂરા દાણા નથી; તો હું કહું છું કે એમ કેમ હોય ? આ દિતુ શેઠના બંગલા પાછળની પડતર જમીનનો કંઈ પાર છે ? આખા શહેરને પૂરું પાડે તેટલું અનાજ ત્યાં ઊગી શકે. ને છતાં અત્યારે ? અત્યારે એ જમીન ઉપર શરતના ઘોડા ઉછેરાય છે – જે ઘોડા ઉપર કોઈ કદી ચડતું પણ નથી.”

“પણ ભાઈ શામળ ! હું – હું એમાં શું કરું ?”

“આપ આવું બોલો છો ત્યારે મને બહુ દુઃખ લાગે છે, સાહેબ !”

“કેમ ?”

“આપે કહ્યું છે કે આપણે પોતાનું બલિદાન આપીને પણ અન્યને