ફિકરની ગાંઠડી માથા પર ચડાવીને ભમતો હતો તે છતાં કેમ ‘કોઈક વાર આવતો રહેજે !’ એવું સાદું વાક્ય વીસરાયું નહોતું ? દિત્તુ શેઠથી માંડીને ભીમાભાઈ દારૂવાળાના ઉદ્ધાર અર્થે મથ્યા કરતો હતો, ધર્મપાલજીનું મગજ ખાધા કરતો હતો, એક બાજુ લક્ષ્મીના લખલૂટ સંઘરા અને બીજી બાજુ રોટલીના સાંસાની સમસ્યાઓ પર માથા પટક્યા જ કરતો હતો, છતાં એના એ ખીચોખીચ ચિંતાગ્રસ્ત ચિત્તમાં વિરાટ પગલાં ભરતી એ મૂર્તિ શી રીતે પ્રવેશતી હતી ?
‘કોઈ કોઈ વાર આવતા રહેજો !’ પણ આટલા જ દિવસમાં કયે નિમિત્તે એ નસીબદારની પાસે જઈ હું ઊભો રહું ?
કહ્યું હતું કે, “તેજુને મળવા માટે આવતો રહેજે !”
પરંતુ તેજુને તો રોજ સાંજે ઘરે જ મળું છું. તેજુને મળવા જવાનું બહાનું કેટલું હાસ્યજનક !
દર્શનની તાલાવેલી એને કોઈ આગની માફક સળગાવી રહી હતી. કારણ, બહાનું, નિમિત્ત, તમામ ફગાવી દઈને એ તો ગયો. સવારના અગિયાર વાગ્યા હતા.
તેજબહેને ભાઈને દીઠો. “આવ્યા, ભાઈ ! લ્યો, હું બહેનને ખબર આપું.” એમ કહેતી, જાણે બધું સમજતી હોય તેમ, તેજુ ઉપર દોડી ગઈ. તેજના અંગે અંગે ત્રણ દિવસમાં તો નવીન સ્ફૂર્તિ રમવા લાગી હતી.
“ભાઈ, જાઓ ઉપર.” એમ કહેતી તેજુ નીચે આવી.
“તુંય ચાલને, તેજુબહેન !” શામળ કહ્યું.
“ના, મને બહેને નીચે જ રહેવા કહ્યું છે. તમે આવ્યા છો એ જાણીને બહેન બહુ રાજી થયાં છે, ભાઈ !”
શામળે પોતાની દિવ્ય સુંદરીને દીઠી. ઘેરી ઘેરી, સ્વપ્નઘેરી આંખો, અંબોડામાં ફૂલ, જાણે કોઈ પ્રવાહી પદાર્થમાંથી વણેલી સાડી : એવું સૌંદર્ય બોલી ઊઠ્યું : “તમે આવો છો ત્યારે મને કેટલું સુખ થાય છે – જાણો છો, શામળજી ?”