પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
4
સત્યની શોધમાં
 

બે ગાઉ દૂર હતું. મોટર-સર્વિસ થયા પછી ત્યાં બે હોટલો ઊઘડી હતી. ગામની નજીકમાં ભદ્રાવતી નદીને કિનારે એક પુરાતન ગઢનાં ખંડિયેરો હતાં તે જોવા માટે ઘણા પ્રવાસીઓ આવતા. એમાં કેટલાક તો પરદેશ ચડાવવા સારુ ગાયભેંસો ખરીદનારા એજન્ટો, વીમા કંપનીઓના દલાલો, હાડકાં-ચામડાંની નિકાસ કરનારાઓ અને શહેરમાં ઊભી થતી નાની નાની વેપારઉદ્યોગની પેઢીઓના શૅર ખપાવનારાઓ પણ આવતા. એટલે ભદ્રાવતી નદીના કિનારા તથા પુરાતન ગઢનાં ખંડિયેરમાં આવેલા માતાના થાનકનો ઓટો સિગારેટનાં ખોખાંથી છવાયેલો જ રહેતો અને ગામનાં નાનાં છોકરાં એ ખોખાંનો ‘ટેસ’ ઉડાવતાં.

શામળ એ ગામટોળીથી જુદો પડેલો ઉદ્યમી જુવાન હતો. એને નાનો મૂકીને મરી ગયેલી માતાની એક કોઈ જૂની, ઝાંખી પડી ગયેલી, ધુમાડેલ છબી શામળ પોતાના સૂવાના ખૂણામાં જ રાખતો; ને બાનું ઉછેરેલ એક તુલસી-કૂંડું પણ પોતે જ પાણી પાઈ લીલુંછમ રાખતો. પોતાનાથી મોટેરા બે ભાઈઓ હતા. બાપુ જાતખેડ કરી કરીને તેમ જ ધીરધારમાંથી એક હજાર રૂપિયાની મૂડી સંઘરી શકેલા. બા મરી ગયા પછી બાપુને અકાળે બુઢાપો આવી ગયેલો.

શામળ દેશાટન કરવા નહીં પણ રળવા નીકળ્યો હતો. આટલી ફૂટતી ઉંમરમાં કમાવા નીકળવું પડ્યું તેનું એક કારણ બન્યું હતું. રામપુર ગામમાં એક વાર એક અસ્તરીબંધ કોટપાટલૂન પહેરેલ ફાંકડો બંકડો અને વાતશૂરો કામણગારો મુસાફર આવેલો. એની સિગારેટોના ધુમાડામાંથી એવી મીઠી સોડમ ફોરી ઊઠેલી કે ગામના જુવાનો એની આસપાસ ફૂલભોગી ભમરાની પેઠે વીંટળાઈ વળેલા. ભદ્રાવતીને કાંઠે ગઢનાં ખંડિયેર જોવા એને શામળના બેઉ મોટેરા ભાઈઓ જ લઈ ગયેલા. રસ્તામાં એણે કેટલીય વાર વીજળીની દીવીને ચાંપો દાબી દાબી સિગારેટો સળગાવી; અને એણે નવીનાબાદ વગેરે નગરીઓનાં નાટકસિનેમાનાં – ઓહ ! શાં શાં ઝળકતાં વર્ણનો આપ્યાં.

“તમારો ધંધો શો ?” છોકરાઓએ એને પૂછ્યું.