લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘તમને ચાહું છું !’
123
 

આંચકો લાગ્યો.

“સાચે જ શામળભાઈ ! પરણવાનું ન હોય તો આવું હેત શીદ બતાવે ?”

“ના, ના, ક્યાં હું ? ક્યાં એ ? હું તો એક ગરીબ ગામડિયો છું.”

“પણ ભાઈ, એની પોતાની કને તો માયાના ભંડાર ભર્યા છે ને પછી એને મન શું ગામડિયો કે શું શહેરી ! એને શી પડી છે શાહુકાર વરની ?”

“હા…” એ વાત શામળને નહોતી સૂઝી એ ખરું. પણ વળી હૃદય ધડકી ઊઠ્યું : “અરેરે, મારામાં એવું શું બળ્યું છે ?”

“શામળભાઈ ! મારા હૈયા ઉપર હાથ મૂકીને હું કહું છું કે તમે રૂપાળા છો, તમે ગુણિયલ છો. વિનોદબહેનની આંખો એ ભાળી શકે છે, ને એણે નક્કી કર્યું લાગે છે કે તમને કાંડું ઝાલીને પોતાની પાયરીએ ચડાવી લેવા.”

શું હું વિનોદિનીની પાયરીએ ચડીશ ! ઊંચા કોઈ પહાડના શૃંગ પર ચડવાનો વિચાર આવતાં તમ્મર આવે, તે રીતે શામળની કલ્પના પણ ભય પામવા લાગી. એ ચૂપ બની ગયો.

“ઓહોહો ! શામળભાઈ ! બરાબર આ તો જાણે પેલી પરીઓની વાતોમાં આવે છે તેવું જ બન્યું. ભાઈ, તમે એના સોણાના રાજકુંવર બનવાના.”

તેજુએ તો એ રીતે એ શ્રીમંત કન્યા અને ભિખારી પ્રેમી વચ્ચેના આ મામલાને જૂની પરીકથા માંહેલી અનેક ઘટનાઓ સાથે ઘટાવી પોતાની કલ્પનાના કંઈ કંઈ અદ્‌ભુત ભાવો ઠાલવી દીધા, અને શામળના પ્રાણને અવનવી આકાંક્ષાઓના વાદળવિહારોમાં પાંખો ફફડાવતો કરી મૂક્યો.

આખરે એ ત્યાંથી ચાલ્યો. રસ્તા પર અરધી દિગ્મૂઢ દશામાં એ ભાવી કલ્પી રહ્યો હતો : આહા, હું વિનોદિની જોડે પરણીશ : ને એ સાચી જ વાત હોવી જોઈએ, નહીં તો ‘શામળ, હું તમને ચાહું છું,’ એવું