પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
124
સત્યની શોધમાં
 

બોલવાનો બીજો મર્મ જ શો હોઈ શકે ? આહા, પછી તો હું આ બંગલામાં રહેવા આવીશ, હું અઢળક સંપત્તિનો સ્વામી થઈશ. મારે ગામ ભાઈઓ આ વાત જ્યારે સાંભળશે, ને હું જ્યારે અમારાં જૂનાં ખેતરવાડી ખરીદી લેવા ઘેર જઈશ, ત્યારે એ બધા કેટલા તાજુબ બનશે !

નહીં, નહીં, આવા બધા સ્વાર્થી વિચારોમાં મારે ન ચડી જવું જોઈએ. મારે તો વિચારી રાખવું જોઈએ કે મારી એ ભવિષ્યની લક્ષ્મીને હું લોકકલ્યાણમાં કઈ કઈ રીતે વાપરીશ. હા, હા, પછી તો હું ને વિનોદ બેઉ જનસેવામાં જીવન સમર્પણ કરશું. એમ થતાં કોઈક દિવસ મને એના પિતાની મિલો વારસામાં મળશે, ત્યારે હું મજૂરોનાં મોટાં છોકરાંને માટે નિશાળો ખોલીશ, નાનાં હશે તેનાં પારણાં બંધાવીશ, તેઓને દૂધ પિવડાવવાનો બંદોબસ્ત કરીશ, મજૂરસ્ત્રીઓ માટે સુવાવડખાનાં ખોલાવીશ. વળી, હું તો એ રીતે લક્ષ્મીનંદન શેઠનો પણ કુટુંબીજન બનીશ. એટલે દિત્તુ શેઠ ઉપર પણ મારી કંઈક અસર વાપરી શકીશ. આહાહા ! ધર્મપાલજી અને વીણાબહેન મારું આ સૌભાગ્ય સાંભળી કેટલાં સુખ પામશે !

આ બધા વિચાર-સાગરમાં ભમીને એની કલ્પના-નાવડી પાછી પોતાના હરિયાળા નાના ટાપુમાં, એટલે કે વિનોદિનીના સ્મરણમાં વળી. ઓહ ! એ મને ચાહે છે ! ત્યારે તો એ હવે મારી છે. આજે આ અરધા કલાક પહેલાં એ શું બની ગયું ! મેં એને શું કર્યું હતું ! પાગલ – એ પાગલ બની ગયો.

એવામાં એકાએક એ આ કલ્પનાના ગગનમાંથી પાછો પૃથ્વી પર પટકાયો. એની પડખે થઈને એક બુઢ્‌ઢો અત્તરિયો વહોરો પસાર થતો હતો. શ્વેત દાઢી હતી. શરીર બેવડ વળેલું હતું. પીઠ પર પેટી હતી. પણ શામળની આંખો ન છેતરાઈ ગઈ. મોં નિહાળીને એણે તરત જ સાદ કર્યો : “અરે ! બબલાભાઈ !”

“ચૂપ ! ચૂપ !” અત્તરિયા બુઢ્‌ઢાએ નાક પર આંગળી મૂકીને આંખનો મિચકારો માર્યો. હેબતાઈને ઊભા થઈ રહેલ શામળથી દૂર દૂર