એ વેશધારી ભાઈબંધ નીકળી ગયો.
નવાં વિચાર-મોજાં શામળના અંતર પર વહેતાં થયાં. થોડા જ દિવસ પહેલાં હું ઉઠાઉગીરનું જીવન જીવ્યો. છતાં આજે જાણે એક આખો યુગ થઈ ગયો. હું તો એક લખપતિની પુત્રીને પરણી કરી સંપત્તિનો સ્વામી બનીશ, ને આ બબલો જ શું એની બૂરાઈભરી જિંદગીમાં ગળકાં ખાતો રહેશે ? મારા સમાગમમાં આવેલ બીજા તમામને મેં લાભ કરી દીધો, ને શું એક બબલાને જ હું ન તારી શક્યો !
બબલાની સાથે એક ભાણામાં મેં રોટી ખાધી છે. એના ઉદ્ધારની હાકલ મારા હૈયામાં સંભળાય છે. એને જોતાંની વાર જ મને મારું કર્તવ્યભાન પુકારી ઊઠયું છે. ભલે એ મને નિષ્ઠુર મે’ણાં મારે, ભલે ધિક્કારભર્યું હાસ્ય કરે, એની સન્મુખ જઈને ઊભો રહીશ. આ તમામ પ્યાર, આનંદ અને આશાની કનક-સૃષ્ટિ વચ્ચેથી મારા કાનમાં કર્તવ્યનો સાદ પડે છે. ભલે બબલાને હું ન પલટાવી શકું; હું પ્રયત્ન તો જરૂર કરીશ.
ધોળી દાઢીવાળા બુઢ્ઢા અત્તરિયાની પાછળ પાછળ શામળે પગલાં ભર્યાં.
19
આગલી હરોળવાળાં
“પાય લાગીએં ! પાય લાગીએં ! પધારો ધર્મી પુરુષ !”
એટલું કહીને બબલાએ શામળના ચરણનો સ્પર્શ લીધો. શામળે ભાઈબંધના મોં પર એનું એ કઠોર, વક્ર હાસ્ય પથરાયેલું દીઠું. “તુંને પણ મારા બેટાઓએ બરાબર ઢીંગલું બનાવી દીધું, હો !”
“ઢીંગલું ?” શામળે પૂછ્યું.