ખરડાને તોડાવી પાડવો હતો.”
શામળની દૃષ્ટિ સામે તેજુનું જીવતું હાડપિંજર તરવરી ઊઠ્યું. એણે પૂછ્યું : “પણ લીલુભાઈ શેઠ શા સારુ એવો ખરડો તોડાવી પાડે ?”
“એની મિલમાં ચૌદ વરસિયાં ને દસથી બાર વરસિયાં હજારો મજૂરો જોઈએ છે તે માટે, ગીગલા !”
“પણ શા માટે ?”
“અરે પ્રભુ ! ઓ બેવકૂફ, નાનાં છોકરાંને પગાર આપવાનો થોડો ને કામ ઊતરે વધુ, એટલા માટે, મજૂરનાં છોકરાંની તબિયત સુધારવા સારુ તો મિલો કોઈ થોડી ચલાવે છે, મારા બાપ ?”
મૌનનો એક લાંબો આંતરો પડ્યો. શામળના હૃદયમાં કોઈ એક કારમા પિશાચની સાથે સંગ્રામ ચાલતો હતો. આ ધર્મપરાયણ લીલુભાઈ - જે પ્રાર્થનામંદિરમાં મોખરે બેસે છે, ગંભીરતા અને કરુણાની ધારાઓ જેના ચહેરા પર તે વેળા ઝરતી હોય છે, ધર્મોપદેશ દરમ્યાન વારેવારે ગળગળા બની જાય છે, તે – તે જ લીલુભાઈ – શું નાનાં બાળકોને શોષવા સારુ રુશવત પાથરી છેક મોટી ધારાસભામાં બાળ-મજૂરી-નિષેધનો ખરડો ઉથલાવી નખાવવા માટે ખરીદેલો પ્રતિનિધિ મોકલાવે ?
એ બોલી ઊઠ્યો : “નક્કી – નક્કી એ નહીં જાણતા હોય.”
“કોણ ?”
“ધર્મપાલજી.”
“હા-હા-હા-હા, આખું શહેર જાણે, મારા બાપલિયા ! તારા બીજા પેટ્રન હરિવલ્લભ શેઠનાં પણ એ જ કામાં. રુશવતો પાથરીને લોકલ બોર્ડો, ધારાસભાઓ વગેરેનો વહીવટ કડે કર્યો છે. શા સારુ ? પોતાના માલના કન્ટ્રાક્ટો લેવાય તે સારુ. તું આભો બન મા. આખું શહેર જાણે છે. પણ કોને કહે ?”
“એ વાતનો કોઈ સાક્ષી ?”
“જો સાંભળ. તારો પેલો પીઠાવાળો ભીમો છે ને, એના પારસી