પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
સત્યની શોધમાં
 

રાજકારણનું ક્ષેત્ર જ એવું છે, ભાઈ ! એમાં લીલુભાઈનો શો દોષ ?”

“પણ ધર્મપાલજી, ચૌદ વરસની નીચેનાં છોકરાંને મિલોમાં લેવાં – અને એનો પ્રતિબંધ કરનાર કાયદો તોડાવી પાડવો – એ શું પ્રામાણિક માન્યતાની જ વાત થઈ ? એ શું ઘોર પાપ નહોતું ? આપ મારી તેજુબહેનનો તો વિચાર કરો !”

“તેજુને તો ભાઈ, આપણે ખુદ લીલુભાઈના જ ઘરમાં સુખની નોકરી અપાવી છે ને !”

“પણ તેથી શું ? તેજુ જેવાં હજારો બાળકોનું શું ? એ ચૌદ વર્ષની નીચેનાં કુમળાં છોકરાંને મિલો કેવી રીતે ભરખી રહી છે એનો તો ખ્યાલ કરો ! ને લીલુભાઈ પેટ પૂરતી મજૂરી પણ શું આપે છે એ બચ્ચાંને ? એવો કરોડપતિ ધારે તો છોકરાંને સહાય ન કરી શકે ?”

“આ બધો તો, ભાઈ શામળ, ત્રાસ –”

ત્યાં તો શામળે ધર્મપાલજીના મોં પર કંટાળાના રંગો દીઠા, એટલે પોતે એકદમ જીભ ચલાવી : “આ તો હજુ પાશેરામાં પહેલી પૂણી છે, સાહેબ ! હજુ સાંભળો તો ખરા ! આપણા હરિવલ્લભ દેસાઈનાં પાપ વર્ણવું.”

“દેસાઈસાહેબનાં ?”

“જી હા, હરિવલ્લભદાસ દેસાઈ, આપણા સમાજના બીજા પેટ્રન.”

“શામળજી !” ધર્મપાલજીએ ભવાં ચડાવીને મૂઠી ઉગામી, “હવે તમે હદ ઓળંગી રહેલ છો. મને લાગે છે કે તમે સંભાળથી જીભ ચલાવો. તમને આટલા આટલા લાભો કરી આપ્યા. તેનો આ બદલો ?”

“અરે પણ સાહેબ, એ વાતને ને આને સંબંધ શો છે ?”

“સંબંધ બધો જ છે. તમારે તમારો દરજ્જો ને તમારું સ્થાન નથી ભૂલવું જોઈતું. તમે એક બાળબુદ્ધિ, એક નીચલા, તાબેદાર દરજ્જાના નોકર મારી કને આવીને ખુદ સમાજના પેટ્રનો સામેના આવા ગામગપાટા ગાવા બેસો છો, એ નહીં ચાલે.”

“મારો તાબેદાર દરજ્જો !” શામળે પડઘો દીધો, “પણ મારા