પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્વાળામુખી
135
 

જો સાચી ઠરે તો મારે શું કરવું જોઈશે તે તો હું પણ અત્યારથી નથી કહી શકતો.”

“ચિંતા નહીં, આપણી પહેલી ફરજ તો ચુપચાપ સત્યને શોધવાની છે. આપની વાત ખરી છે. હમણાં મારે બીજું કશું જ ન બોલવું જોઈએ.”

એ ત્યાંથી નીકળી પડ્યો. સીધો પહોંચ્યો પીઠા ઉપર ભાઈબંધ ભીમાભાઈની પાસે.

“કાં ભાઈબંધ !” એનું એ ખડા પગનું આસન વાળીને અવિરામ ઊભેલા ને હસમુખા ભીમાભાઈએ પૂછ્યું : “મારે માટે નોકરીધંધાનું શું કર્યું ? તૈયાર જ હશે !”

“ધર્મપાલજીએ કહ્યું છે કે તપાસ કરશે. પણ ભીમાભાઈ, આજે તો હું બહુ જ આકરા કામે આવેલ છું.”

ઘરાકોને દારૂની પ્યાલીઓ દઈ, રવાના કરીને પછી ભીમાભાઈ બોલ્યા : “શું છે વળી ?”

“ભીમાભાઈ, હરિવલ્લભ દેસાઈને તમે ઓળખો છો ?”

“મારા ઘરાક નથી, પણ દીઠ્યે ઓળખું.”

“એમણે સુધરાઈમાં સસ્તા પાણીની યોજના તોડાવી પાડી હતી; એ ખરી વાત ?”

“હી-હી-હી-હી !” ભીમો બિહામણું હાસ્ય કરી ઊઠ્યો, “ખોટી હોય તો મારું માથું કાપી આપું.”

“એણે મેમ્બરોના મત રુશવત આપીને વિરુદ્ધ દેવરાવ્યા હતા, એ વાત સાચી ?”

ભીમો ફરીને હસી પડ્યો : “આખું ગામ જાણે છે, મૂરખા ! પણ એમાં તું આટલો આકળો બેબાકળો કેમ બની ગયો છે ?”

“કોઈ પાકો પુરાવો ?”

“હં-હં ! મારા પેસ્તનજી શેઠનાં જ ખીસાં સાક્ષી, એમાં જ એ થેલી પડી હતી. પણ તને આ વાતનું વાયુ કેમ ઊપડ્યું છે ?”