શામળે પોતાના સમાજની વાત કરી : “ભીમાભાઈ, પેસ્તનજી શેઠ મને મુખોમુખ કહેશે ?”
“ઊભો રહે, શેઠ હમણાં જ આવેલ છે. હું તને રૂબરૂ કરાવી દઉં.”
ભીમાભાઈ શામળને પેસ્તનજી દારૂવાળાની સન્મુખ લઈ ગયા. બેઠી દડીના, ટમેટા જેવા લાલચોળ બદનના અને સલૂકાઈભર્યા એ ભલા પારસીને દેખી પીઠાના માલિક વિશેની દૈત્ય સમી કલ્પના શામળના મનમાંથી ઊડી ગઈ.
ભીમાભાઈએ શામળને કશું જ બોલવા દીધા વિના, પોતે જ ચતુરાઈભર્યા પ્રશ્નો શરૂ કરી ધીરે ધીરે આખી રહસ્યકથા કઢાવી.
“શેઠ, આ છોકરો લખમીનંદન શેઠને ઘેર નોકર છે.”
“વારુ ! ઘની મઝેની વાત, પોરિયા !”
“પણ શેઠ, આ પોરિયો કહે છે કે ત્યાં લખમીનંદનના ભાગીદાર હરિવલ્લભ દેસાઈ ખરાને, તે એવું બોલ્યા કરે છે કે તમે બધા મેમ્બરોએ એની કનેથી પૈસા કઢાવવા સારુ જ પેલી હરીફ કંપનીને ઊભી કરી, ખોટેખોટું સસ્તા દરનું ફારમ ભરાવેલું એ સાચી વાત ?”
“સાલ્લો જૂઠડો !” પારસી ડોસાએ દાઝ કાઢી, “એણે જ અમને સામેથી આવીને લાલચ દીધી હતી. અમે બેવકૂફ બનિયા, નહીંતર અર્ધા દરે પાની આપનારી કંપની સાચેસાચ તૈયાર થઈ’તી. દર મહિને એ સાલ્લા હરિવલ્લભની કંપનીને પાનીનું બિલ ભરું છેઉં, ને મારો તો દમ ઊંચો ચઢી જાય છે.”
“પણ શેઠ, હરિવલ્લભ તો બોલતો’તો કે એને સાઠ હજાર રૂપિયા વેરવા પડ્યા.”
“ખોદાને માલૂમ, બીજાને સું મળ્યું તે હું ના જાનું. હું તો એટલું જાનું કે અમારા માંહેલા દસ મેમ્બરોને બબ્બે હજાર ચાંપ્યા’તા એ સાલ્લે !”
શામળ પોતાની તમામ દાઝને સખ્ત મૂઠી ભીડવામાં ઠલવતો