દિગ્મૂઢ બેસી રહ્યો.
પારસી શેઠે પોતાની મેળે જ ચાલુ રાખ્યું : “સાલ્લાને સુધરાઈ સાથેના નવા કંટ્રાક્ટમાંથી દર મહિને પાનીના દસ હજાર નફામાં રે’ છે. ને અમારા હરામના બે હજાર તો એક અઠવાડિયામાં સફા થઈ ગિયા. ચૂંટનીમાં આવવાનું મુને ચાર હજારનું ખરચ થિયું. વોટરોને મફત દારૂ પાવો પડિયો, તે બધો તો ચાંલ્લામાં.”
“પણ તમે એવું શા માટે કર્યું ?” શામળે પૂછ્યું.
“પોરિયા, ફરી કદી હું એવું ના કરવાનો. મને સાન આવી ગઈ છે. ફરીથી જો એ સાલ્લો એનું ડર્ટી કામ કઢાવવા આવે તો હું જૂતો લગાઉં !”
પછી તો રંગે ચઢેલા પેસ્તનજી શેઠે લક્ષ્મીનગરના જાહેર જીવનના તેમ જ રાજવહીવટના અનેક પરદા ચીર્યા. વાતનો સાર એક જ હતો : કરવેરાના દાવપેચથી અનેક પ્રકારે લૂંટાતા પ્રજાજનો જાગ્યા હતા, પોતાના મતાધિકારો સમજતા થયા હતા. જૂના પેધેલાઓ સામે બળવો ઉઠાવી, પ્રચંડ સંખ્યામાં મત આપવા પોલિંગ-સ્ટેશનો પર ઊમટતા હતા, નવા મેમ્બરોને સોગંદ લેવરાવી પ્રજાહિતનાં કાર્યો માટે ચૂંટતા હતા, ને પછી એ જ નવાઓને મોટી માતબર પેઢીઓ ને કંપનીઓ પોતાના સ્વાર્થ સારુ ખરીદી લેતી હતી.
“અરે, તારો પેલો કરમાલી ખોજો, તારા સમાજમાં દાખલ થયો છે ને પોરિયા ! હરેક દિતવારે ધર્માદાની પેટી તિયાં ફેરવે છે ને ! એણે - ખુદ એણે જ પોતાના ગોદામ સામેના જાહેર ચોકમાં પોતાની પેટીઓ મૂકવા સારુ સેક્રેટરીને બસો ચાંપિયા’તા. અત્યારે તિયાં રસ્તો જ કાં રે’વા દીધો ચ મારે બેટે !”
“અને લીલુભાઈ શેઠનું શું છે ? મને કહેશો ?”
“બાવા, હવે મને વિસેસ બોલાવ ના. મારા કલેજામાં આગ ભડભડે ચ, પોરિયા ! લીલુ શેઠે જ પેલાને પૈસા વેરીને ચૂંટાવિયો, વડી ધારાસભામાં મોકલિયો, તે સું કરવા ? ચૌદ વરસની અંદરનાં પોરિયાની ગરદન કટાવવા, પોતાની મિલોમાં બચ્ચાંને જીવતાં દફનાવવા.”