પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
સત્યની શોધમાં
 

“તમને કોણે કહ્યું ?”

“એ ધારાસભામાં જનારે પોતે જ. હવે બાવા, તું મને વધુ છેડતો ના. ટ્રામનો કૉન્ટ્રાક્ટ નવ્વાણું વરસને પટે એવણે કેવી તરકીબથી મેળવ્યો તે હું જાણું ચ. ને પછી સાલ્લો માંચડા પર ચડીને નવા સુધારાની મોટી સ્પીચો ઠોકે ચ. ભુવનેસર હિલ પર રે’વાવાલાઓની વાત જ કાં કરવી, બેટા ! એ બધા ઢરમના ઠાંભલા છે. હો-હો-હો-હો – ઢરમના ઠાંભલા ! પીગલી પડેલા ! હા-હા-હા-હા-હા – ખોદાથી એક જ તસુ દૂર ! હી-હી-હી-હી-હી !”

પેસ્તનજી પારસી હસી હસીને બેવડ વળી ગયા.

શામળ પોતાની છાતી પર એક જ્વાળામુખી ઉપાડીને ચાલ્યો.


21
ચોરીનો માલ

રિવલ્લભ અને લીલુભાઈ શેઠની બદમાશીના સાક્ષી-પુરાવા શામળે ધર્મપાલજી સામે ધરી દીધા. ધર્મસંપ્રદાયના શુદ્ધીકરણને સારુ તલસતો એ જુવાન ધર્મપાલના નિર્ણયની રાહ જોતો બેઠો. એને ધારણા હતી કે બસ, હવે સત્ય પુરવાર થયા પછી તો એક ઘડીયે આ ધર્મપુરુષ પાપને રક્ષણ નહીં આપે.

ધર્મપાલની આંખો શામળ સામે ચોડાઈ ગઈ. આંખોમાંથી અગ્ન્યાસ્ત્ર છૂટી શકતાં હોત તો એ શામળને ત્યાં ને ત્યાં સળગાવી નાખવું પસંદ કરત.

“એટલે હવે તારું કહેવું શું છે, શામળ ?” ધર્મપાલે કરડા શબ્દો કાઢ્યા.

“હું શું કહું ? હું કંઈ કહેવા લાયક છું ?”