પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોરીનો માલ
139
 

 “શામળ, આ બધું તું શું ઉખેળી રહ્યો છે, જાણે છે ? હરિવલ્લભ દેસાઈસાહેબ તો મારી સ્ત્રીના પ્રિય ભાઈ છે, ને આપણા સંપ્રદાયની અનેક પ્રવૃત્તિઓના પોષક છે. મંદિરના વ્યવહારનો મારો આધાર એમના પર છે.”

“પરંતુ એમણે સુધરાઈના મેમ્બરોને રુશવતો ખવરાવી લોકોનું બૂરું કર્યું છે.”

“પણ એ વાતનો ભવાડો કરવાથી આપણો સંપ્રદાય ને આપણી પવિત્ર સેવાપ્રવૃત્તિ કેટલાં જોખમમાં આવી પડશે !”

“એ કરતાં વધુ મોટી વિપત્તિ તો અત્યારની છે, સાહેબ ! લોકો બોલી રહ્યા છે કે આવા પાપાચારીઓને તમારો સંપ્રદાય ઓથ આપી રસી રહેલ છે.”

“તું વિચાર કર કે, મારા કુટુંબસંસારમાં આથી કેવો ધ્વંસ બોલી જશે !”

“મારા જીવનમાં પણ એટલો જ મોટો ધ્વંસ બોલવાનો, સાહેબ !”

“શી રીતે ?”

“લીલુભાઈ શેઠને અંગે.”

“તેને ને તારે શું ?”

શામળ બાપડો કહેવા જતો હતો કે ‘એ મારા ભાવી સસરા થાય’. પણ એ ખચકાયો. લાગ્યું કે એ મીઠી જાહેરાત વિનોદને મોંએથી થાય તો જ વધુ સારું. એટલે શામળ વાત પલટાવીને કહ્યું : “સાહેબ, મને તેજુની ચિંતા થાય છે. પછી કંઈ એને ત્યાં ઊભી રહેવા દેશે કોઈ ?”

“પણ ત્યારે હવે તારે શું કહેવાનું છે ? તું શું એમ માને છે કે મારે મારા સગા સાળાને સંપ્રદાયમાંથી કાઢી મૂકીને જગબત્રીસીએ ચડાવવો ?”

“હું તો માનું છું કે એને જેલમાં નખાવવા જોઈએ. પણ મારો એવો જ આગ્રહ નથી. જો એ પશ્ચાત્તાપ કરતા હોય તો આપણે બીજો માર્ગ લેવો. આપણે એને સમજાવી જોવા.”