પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
6
સત્યની શોધમાં
 

ઘૂંટડો ન ઊતર્યો : “ભાઈ, એ તો જૂગટું કહેવાય.”

“જૂગટું વળી શાનું ?” દુભાઈને બંને મોટેરા બોલ્યા, “ચોમાસે બમણાં-ત્રમણાં નાણાં નીપજશે એમ સમજીને આપણે જેઠ મહિને પાંચ ગાયો લઈએ, તો એમાં જૂગટું ક્યાં આવ્યું ?”

“અરે દીકરા !” રોજ મંદિરે જનારા બાપે એ દલીલને તોડવાનો કશો જવાબ દીધા વગર બીજું કારણ કહ્યું : “કારખાનાની બનાવટની એ શીશીઓ તો દારૂ ભરવામાંય વપરાશે.”

“એવું કાંઈ નહીં. એ તો બધુંય ભરવામાં વપરાય. એમાં આપણે શું ?” સહુથી મોટા પુત્રનું મોં ચડી ગયું.

“ને અત્યારે આ અવસર ચૂકશું,” વચેટ બોલ્યો, “તો પછી આખો અવતાર ખેડ કરી કરીને બરડો ફાડવાનો.”

આ દલીલમાં બાપને કશી જ ગમ ન પડી. પોતે આટલાં વર્ષોથી સાથીઓની જોડે કામે લાગીને ખેડતો, વાવતો, પંખી બિયાં ચરી જાય તો ફરીને વાવતો, પાતો, લણતો, ખળાવાડ કરતો, વાવલતો, દાણા ઘેર લઈ જઈ કોઠીમાં ભરતો; કડબના ભર ભરી ભરી ગંજીઓ ખડકતો, છતાં એમાં ક્યાંય બરડો કે કમ્મર ફાટવાની વાત નહોતી આવી.

બાપનું મન ઢચુપચુ જોઈને દીકરાએ કહ્યું : “તો પછી અમારે નોખા થાવું છે, અમને મજિયારો વેંચી આપો. અમે જ લક્ષ્મીનંદન કાચ ફેકટરીના શૅરો લેશું.”

માતાવિહોણા દીકરાઓને દુભવવામાં બાપનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો. પોતાની બધી પૂંજી એણે કાઢી આપી. પેલી મોટા લાંબા નામવાળી કંપનીના એજન્ટે એની પાવતીઓ પણ કાઢી આપી.

પછી તો રોજનું છાપું મગાવીને છોકરા ‘લક્ષ્મીનંદન ગ્લાસ વર્ક્સ’ના શૅરોના ભાવ તપાસતા થયા. આહા ! એક દિવસ તો ભાવ 16318 ઉપરથી ચડીને 16414 ઉપર ગયો ! પછી એક દિવસ એજન્ટોનો તાર આવ્યો કે “ભાવ પાછા 15658 થઈ ગયા છે, પણ એ તો ફરીથી ચડશે; માટે ફિકર ન કરવી.” છતાં બધાના શ્વાસ ઊંચા ચડી ગયા.