રાજશાસન જ છીનવી લેવામાં આવે છે, ને તેઓની જ છેતરપિંડીમાં વાપરવામાં આવે છે ! છતાં તમે તેઓને સહાય કરવાનો અવાજ નહીં ઉઠાવો ?”
“હું કશું નહીં કરી શકું.” ધર્મપાલ ઉગ્ર બન્યા.
“પણ બીજું કશું તો નહીં, એટલું તો કરો – એ લૂંટણગીરીમાંથી તમારો સહકાર તો ખેંચી લેશો ને ?”
“મારો સહકાર ? લૂંટણગીરીમાં ?”
“જી હા, આપ એમને સાથ આપી રહેલ છો. આપ એમને ધર્મમાં રાખો છો ને એથી તેમને લૂંટણગીરીનો સદર પરવાનો મળે છે. આપ એને ઓથ આપો છો, પ્રતિષ્ઠાનું કવચ પહેરાવો છો, એ કવચ ઉપર કોઈ ઘા કરી શકતું નથી. હું જો અત્યારે જગત વચ્ચે જઈને આ લોકોને ઉઘાડા પાડીશ તો કોઈ મારું માનવાના નથી, કેમ કે તમે એ સહુને એવા પ્રતિષ્ઠાવંત બનાવ્યા છે. ધર્મસમાજના એ સ્તંભો છે, ને તમારા મિત્રો છે, સગાઓ છે. એનું નામ આપનો સાથ : લૂંટણગીરીમાં આપનો સહકાર.”
“શામળજી ! બસ –” ધર્મપાલે ભ્રૂકુટિ ચડાવી.
“બસ નહીં કરું, એથી પણ બૂરું તો એ છે સાહેબ, કે તમે એના પૈસા સ્વીકારો છો, ધર્મને અને મંદિરને એના ઉપર નભતા કરી રહ્યા છો ને એના ધર્માદા તમે ગરીબોને આપો છો – એ જ ગરીબોને, કે જેઓને તેઓએ લૂંટી, ખંખેરી લીધા છે; ને આથી લોકો આંધળા બને છે, એ દાનેશ્વરીઓના અહેસાનમાં દબાય છે, ભીતરની હકીકત સમજતા નથી ! આમ લોકોને હાથેપગે બેડીઓ પહેરાવવામાં તમે જ મદદ કરો છો. જોતા નથી, પંડિતજી ! આનો અર્થ તો એ જ ને, કે તમને પણ ઇન્દ્રજાળ પાથરવા સારુ જ તેઓએ ભાડે રાખ્યા છે ?”
“બસ થયું, શામળ !” ધર્મપાલ ઊભા થયા, “સહનશીલતાની હદ આવી રહી. હવે એક શબ્દ પણ વધુ નહીં બોલાય તમારાથી.”
“બસ ! ત્યારે તમે મને એકલો ધકેલી મૂકશો ? મારે એકલે હાથે