પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુભાઈ શેઠ
145
 

“આપના પિતાને લગતું છે.”

“મારા પિતા ?”

“જી હા, એ કથા લાંબી છે.”

પછી શામળે પોતાના સમાજપ્રવેશથી લઈ છેલ્લા રહસ્યશોધન સુધીની વાત કહી સંભળાવી.

“ને તમે આ બધું ધર્મપાલજીને કહ્યું, શામળજી ?”

“જી હા.”

“એમણે શું કહ્યું ?”

“કહ્યું કે, આ બાબત સાથે મારે કશી જ નિસ્બત નથી.”

“હવે તમે શું કરવા ધારો છો ?”

“પ્રથમ તો આપના પિતાને મળીશ.”

“મારા પિતાને ?” વિનોદિની ચમકી ગઈ. મંદિરનો આ એક કારકુન શું લીલુભાઈની સામે ઊભો રહી એનો તાપ ઝીલી શકશે ? શબ્દ ઉચ્ચારી શકશે ?

“જી હા, આપના પિતા પાસે.”

“શા માટે ?”

“એમને બતાવવા માટે, કે એમની પ્રવૃત્તિ કેટલી અધમ છે.”

વિનોદિની ચોંકેલ નજરે તાકી રહી : “શું તમે મારા પિતાની સામે એના જાહેર જીવનની પ્રવૃત્તિ વિશે સવાલો કરશો ?”

“જરૂર, જરૂર. શા માટે નહીં ? બીજું હું શું કરું ?”

રેશમી રૂમાલથી ગાલને હાથ પર ટેકવી, વિનોદિની મેજ પર ઝળંબીને બેઠી, મોં રૂમાલમાં છુપાવ્યું. જાણે કશુંક ન સમજાય તેવું મંથન એના અંત:કરણમાં ચાલી રહ્યું છે.

“વિનોદિની !” શામળે પૂછ્યું, “મારા પર ગુસ્સો આવે છે ?”

“નહીં નહીં, શામળજી ! લગાર પણ નહીં.”

પછી એણે મોં બહાર કાઢ્યું. ચહેરો રાતોચોળ બની ગયો હતો. કહ્યું : “ભલે, મળો મારા પિતાને.”