પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
146
સત્યની શોધમાં
 

 “તમને વાંધો નથી ને ?”

“બિલકુલ નહીં. હું ઇચ્છું છું કે તમે એના કઠોર, દુષ્ટ હૃદયને પિગાળી શકો. આપણા સહુના હિતની એ વાત છે.”

“આપણા બંને વચ્ચેના સંબંધમાં એથી કશો ફેર નહીં પડે ને ?”

“આપણો સંબંધ !” વિનોદિનીએ સહેજ ચકિત બનીને એ શબ્દો ઉચ્ચાર્યા, પછી કહ્યું, “જરીકે નહીં. પણ જોજો હાં, આપણા સંબંધ વિશેનો ઈશારો સુધ્ધાં ત્યાં ન કરતા. તમે મને ઓળખો છો એવો આભાસ પણ ન થવા દેતા.”

“નહીં જ. નહીં જ.”

“કહેજો કે તમે સીધા મંદિરેથી જ આવો છો. ને બરાબર ફટકા મારજો, હો શામળજી ! કેમ કે એ તો તમે કહ્યું તે કરતાં અનેકગણાં ભયંકર કૃત્યોના કરનારા છે. ને પછી શું થયું તે મને કહેવા આવજો હો ! કદાચ હું તમને આગળ શાં પગલાં લેવાં તેની સલાહ આપી શકું.”

“વાહ, મારી દેવી !” શામળ આ સહૃદયતાની તેજસ્વિની પ્રતિમા સામે જોઈ રહ્યો. આશા અને ભાવનાઓના ફુવારા છૂટ્યા.

ઊર્મિઓનો ઓચિંતો ઉછાળો અનુભવીને વિનોદિની બોલી ઊઠી : “ઓહ શામળજી, તમે કોઈ દેવદૂત છો !”

એટલું કહી એ હાસ્ય કરતી ઊઠી, અને પાંખો ફફડાવીને પોતાના કબૂતરની ચંચુમાં ચંચુ પરોવતી કોઈ પારેવડીની પેઠે, શામળના ઉપર લળી પડી, એના ગાલ પર પોતાના અધરનો કોમલ સ્પર્શ કરી, એક ઝબકરાની માફક એ ચાલી ગઈ. ઓરડામાં બે જ રહ્યાં – એક શામળ ને બીજી એના હૈયાની અજબ તાલાવેલી.

*

રાજપ્રકરણી સાહિત્યનાં છેલ્લામાં છેલ્લા પ્રગટ થયેલાં દેશ-દેશોનાં પુસ્તકોથી વિભૂષિત એ ભવ્ય ઓરડામાં જુગજૂની નીરવતા ને ગંભીરતા હતી. કદાવર ગૌરવભર્યા લીલુભાઈ આરામખુરશી પર પડ્યા હતા. કરડાઈ, અતડાઈ અને કઠોર ઓછાબોલાપણાનું કોઈક અવર્ણનીય