પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
150
સત્યની શોધમાં
 

 “પણ શેઠસાહેબ, આપ ધર્મને ભ્રષ્ટ કરી રહ્યા છો.”

“આ વિષય પૂરો થાય છે,” લીલુભાઈએ કરડાકી ધારણ કરી. “છોકરા, તેં મારા ભલા સ્વભાવનો ગેરલાભ લીધો છે. તું તારો દરજ્જો ભૂલી જાય છે.”

“મારા દરજ્જાની યાદ મને અગાઉ પણ ઘણાએ દેવરાવી છે. પણ મને હજુ ખબર નથી પડી કે મારો દરજ્જો ને મારું સ્થાન શું છે.”

“એ તો સ્પષ્ટ છે. તારું સ્થાન છે તારું પોતાનું કામ કર્યે જવાનું, મુરબ્બીઓને આજ્ઞાંકિત રહેવાનું અને તારા અભિપ્રાયો તારા ગજવામાં જ રાખી મૂકવાનું.”

“આપ મારા મુરબ્બીઓની વાત કરો છો, સાહેબ, પણ મારા મુરબ્બીઓ કોણ ને કેવી રીતે નક્કી થાય છે તે મારે સમજવું છે.”

“જે લોકો તારાથી ઉંમરે મોટેરા ને બુદ્ધિમાં ચડિયાતા –”

“બુદ્ધિ અને ઉંમરથી જ મુરબ્બીપણું નક્કી થાય છે એમ ? તો પછી દિત્તુભાઈ શેઠ, કે જે મારા જેવડા જ છે ને દારૂ પીએ છે, રંડીબાજી કરે છે, મારા મુરબ્બી કયે હિસાબે ?”

લીલુભાઈ ચૂપ રહ્યા.

“– ફક્ત એની પાસે પૈસા છે, તે જ હિસાબે ને ? એટલે કે ‘મારું સ્થાન અને મારો દરજ્જો’ એનો અર્થ શું એ જ ને, કે મારી કને પૈસા નથી ?”

ફરી પાછો કશો ઉત્તર ન મળ્યો. શામળે નિર્દય બનીને વિષયની છણાવટ આગળ ચલાવી : “મતલબ કે હું સત્ય પારખી શક્યો છું, મારે એ સત્યને ઉચ્ચારી નાખવું છે – પણ એ માટે મારે મારું યોગ્ય સ્થાન - મારો યોગ્ય દરજ્જો મેળવવો જોઈએ. શી રીતે મેળવાય એ સ્થાન ?”

“એ તો તારે પોતે જ ઉકેલ આણવો રહ્યો, છોકરા !”

“બરાબર છે. અર્થાત એ સ્થાન મેળવવા સારુ મારે પણ પૈસાની મારામારીમાં ઝુકાવવું; કેમ કે એકલો પૈસો જ એ સ્થાન અપાવે છે.”

“છોકરા ! તારી વય કાચી છે. તું નકામો ઉફાંદે ચડ્યો છે. તને