“શામળભાઈ, આજ તો તમારે વહેલું વાળું કરવું છે ને ? મંદિરે જવું છે ને ?”
“હા,” શામળને યાદ આવ્યું, “આજ સમાજની કમિટીની સભા છે. મારે દીવાબત્તી કરાવવા ને બેઠક ગોઠવવા વહેલા જવું જોઈએ. પણ તેજુબહેન, હું તો મંદિરના કામથી થાકી ગયો હવે.”
“કેમ ભાઈ ? મંદિરના કામથી થાક્યા ?” મંદિરને જ પોતાનું સર્વસ્વ સમજનાર શામળનો આ નિર્વેદ દેખી તેજુ નવાઈ પામી.
“હા, બહેન !”
પછી એણે એ કૂંડાળે વળીને બેઠેલ કુટુંબને તે દિવસની આખી આપવીતી કહી સંભળાવી.
“અરે વાહ રે, ભાઈ !” તેજુ તો રોમે રોમે થનગનાટ અનુભવતી બોલી ઊઠી, “સાચે જ શું શામળભાઈ, તમે એ ડાઘા જેવા લીલુભાઈ શેઠની પાસે ગયા ? ઓહો, કેટલી હિંમત તમારી !”
“એણે મને ઘરમાંથી બહાર કાઢ્યો. ધર્મપાલે મને એકલો મૂક્યો. મને સાથ દેનાર કોઈ ન રહ્યું.”
“કેમ નહીં ?” તેજુ બોલી ઊઠી, “અમે છીએ ને ? અમે તમારી પડખે જ ઊભાં રહશું – કેમ નહીં, માડી ?”
“સાચું બેટા !” તેજુની મા બોલ્યાં, “પણ આપણું ગરીબનું શું ગજું ?”
“અને વળી શામળભાઈ !” તેજુને સાંભરી આવ્યું, “તમારી ભેરે તો વિનોદિનીબેન છે. પછી શું ?”
“એ કાંઈ એના સગા બાપ વિરદ્ધ મને સાથ આપે ?”
“ચોક્સ આપે. એણે જ કહેલું કે એને તમારા પર હેત છે; ને વળી તમારી ભેરે સાચ છે. ચોક્કસ એ તમારા સારુ પ્રાણ પાથરશે.”
આજે પહેલી જ વાર શામળને ભાન થયું કે તેજુનું મુખ કેવું રૂપાળું છે ! એ આ ગામડિયણ છોકરી સામે નિહાળી રહ્યો. તેજુના ચહેરા પર છૂપા કોઈ વિક્રમની લાલપ રમતી હતી. અને વિનોદિનીબહેનને ઘેર