પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિમાના ટુકડા
163
 

મૂક્યો ! તમે જ એ અંકુર પોષ્યો. પછી – પુરુષ હોય તેણે શું કરવું ? એ ક્યાં જાય ? હું એનો બીજો શો અર્થ લઉં ? મેં – મેં એ અગાઉ કદી જ કોઈ સ્ત્રીને ચાહી નહોતી. મારો પ્રથમ પ્રેમ તમે જ જાગ્રત કર્યો, તમે જ મને ઘસડી ગયાં, ને હવે ! – હવે હું ક્યાં જઈ મારી વેદના ઓલવું ?”

“શામળજી, તમારે આવા ગેરવાજબી શબ્દો બબડવાના નથી અહીં. મારાથી હવે એ સાંભળ્યું જતું નથી. હું તમને કહી દઉં છું કે એ એક ગેરસમજ હતી, ને તમારે એ વાત ભૂલી જવાની છે. તમે ચાલ્યા જાઓ. ફરીને આપણે કદી જ ન મળવું જોઈએ.”

“વિનોદિની !” શામળે હતાશાની ધા નાખી.

“હા. બસ તમારે જલદી ચાલ્યા જવાનું છે.”

“તમે મને કાઢી મૂકો છો, વિનોદિની !” શામળ હાંફી રહ્યો, “ઓહ ! તમારી જીભમાંથી આવું વેણ કેમ નીકળી શકે છે ? તમે વિચાર કરો, તમે મારું સત્યાનાશ વાળ્યું –”

“શામળ !” એ કુમારીનો રોષ ભભૂકી ઊઠ્યો, “તમારી આ વર્તણૂક હદ બહાર ભયંકર છે. આવું બક્યે જવાનો તમને કશો જ હક નથી. તમને શો હક હતો આવું ધારી લેવાનો ? તમે તમારું સ્થાન ને તમારો દરજ્જો કેમ વીસરી ગયા ?”

કોઈએ ચાબુક ચોડ્યો હોય એમ શામળ ચોંક્યો : “મારું સ્થાન ?”

“હા. તમારું સ્થાન.”

“સાચું સાચું !” એનું દિલ ફાટી ગયું, “ફરી પાછા મારા ‘સ્થાન’ની જ વાત. ખરી વાત, મારી કને પૈસા નથી !”

“નહીં, હું ક્યાં પૈસાની વાત કહું છું ?”

“એ જ વાત કહો છો. પૈસા સિવાય બીજી વાત જ ન હોઈ શકે. હું ગરીબ છું, એ જ મારી નાલાયકીનું કારણ. તમે કહ્યું કે, શામળ, હું તને ચાહું છું ! ને મેં એ વાત પર વિશ્વાસ મૂક્યો. તમારું આવું રૂપ દેખીને મેં માની લીધું કે જેવાં રૂપાળાં છો તેવો જ પવિત્ર તમે હોવાં જોઈએ. આહાહા, તમારો ચરણો જ્યાં થઈને ચાલ્યાં તે ધૂળને પણ મેં