પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિમાના ટુકડા
165
 

ફરમાવો છો ! તમે મને મારું સ્થાન યાદ કરાવો છો ! દુનિયામાં શું હું તમને વિનોદ અને ગમ્મત પૂરી પાડવા જ નિર્માયો હતો ? મજૂરો જગત પર સરજ્યાં છે તે શું કેવળ તમને સહુને શ્રમમાંથી બચાવી રૂડારૂપાળાં અને સુખિયાં રાખવા સારુ જ કે ? નાનાં બચ્ચાં જગત પર જન્મે છે તે શું બસ ફક્ત તમારા મુલાયમ શણગારો વણવા સારુ જ કે ? અને તમે - તમે એના જીવનની બરબાદીના બદલામાં – એની તમામ મહેનત અને પીડાના સાટામાં શું આપો છો ? – બોલો ! બોલો !”

“હવે એક પણ શબ્દ વધુ બોલ્યો તો તને –”

“હા, હા, મને તમારા ચપરાસી પાસે ધક્કો મરાવી બહાર કઢાવશો - એ જ ને ? તમારા પિતાએ પણ એ જ કહેલું. તમારા દિત્તુભાઈએ પણ એ જ કહેલું. પંડિત ધર્મપાલે પણ એ જ કહેલું. ખુશીથી કઢાવો મને. પણ યાદ રાખજો. આ વાતનો અંત એટલેથી જ નહીં આવે. અમે ગરીબો હવે લડી કાઢવાના નિશ્ચય પર છીએ. અમે પૂરેપૂરું લડી કાઢશું.”

આ ઉન્માદ–પ્રલાપની અંદર એકાએક શામળને ભાન આવ્યું કે પોતે આ બધો હુતાશન જેની સમક્ષ ઠાલવી રહ્યો છે તે તો વિનોદિની છે; પોતાની દેવપ્રતિમાના જ એ ટુકડા છે ! એટલી સાન આવતાં જ એની છાતીમાં ડૂસકાંનાં તોફાન જાગ્યાં. પોતાના બન્ને હાથ માં પર ઢાંકી દઈને એ રડી પડ્યો. ચોધાર આંસુ ચાલ્યાં : ત્યાંથી એ નાસી છૂટ્યો.

પાછળ શિકારી કુત્તા પડ્યા હોય એવા ત્રાસિત હરણ-શો શામળ, કોઈક સંતાવાની જગ્યા શોધતો રસ્તા પર વેગથી ચાલી નીકળ્યો. દોડતાં દોડતાં એણે છાતીમાં હાથ નાખ્યો, હૈયાને અડકીને ગજવામાં પડેલી બે ઝાંખી છબીઓ બહાર ખેંચી, એના ટુકડેટુકડા કરીને પવનમાં ફગાવી દીધા. કાંડે બાંધેલું ઘડિયાળ છોડીને પથ્થર પર પછાડી છૂંદી નાખ્યું.