પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
સત્યની શોધમાં
 


25

‘ચોર છે ! ચોર છે !’


સાંજ પડ્યે તેજુ ઘેર આવી ત્યારે શામળે પોતાના ઉશ્કેરાટને શમાવી લીધો હતો. જરીકે સ્વસ્થતા ગુમાવ્યા વગર તેણે તેજુને તે દિવસની વાત સંભળાવી. પણ એને એક વાત નહોતી સૂઝી, કે તેજુનું અંતર કેટલું વલોવાઈ જશે. તેજુના નાનકડા જીવતરમાં વિનોદિની એક જ કલ્પનામૂર્તિ હતી. એના કટકેકટકા થઈ ગયા. એની સ્વપ્ન-પરી કીચડમાં રોળાઈ ગઈ. તેજુ રડવું ખાળી ન શકી. એનાથી બોલી જવાયું : “હાય રે, ડાકણ ! રૂપાળી બનીને ભરખી જવા જ આવી’તી ને ?”

“તેજુ, બહેન,” શામળે એને પંપાળીને કહ્યું, “જોજે હો, આપણે આપણો ધર્મ ન ચૂકીએ.”

“ના ભાઈ, હું હવે ત્યાં પાછી નહીં જ જાઉં. એને દેખું કે હું તો ફાટી જ પડું.”

“હું એ નથી કહેતો. પણ હવે તો તારે ને મારે પડખોપડખ ઊભવાનું છે. હવે આપણાથી ક્રોધ ન કરાય.”

“ક્રોધ કર્યા વિના રહેવાય ? મને તો ઝાળો ઊઠે છે.”

“ના, જો. હું મારા હૈયામાં કેટલો વલોવાઈ રહ્યો હોઈશ ! પણ હું મનને મારવા સારુ જ મથી રહ્યો છું. આપણે આ બધાં લોકોને ધિક્કારવાં નહીં, તેજુ ! એ બાપડાં આપણા જેવાં જ કાચી માટીનાં છે; ને ભાન ભૂલી ગયેલાં છે તેથી જ આપણને સંતાપે છે.”

“પણ એ બધાં તો ભૂંડાં સ્વાર્થીલાં છે.”

“મેં એ પણ વિચારી જોયું છે, તેજુ ! આજ આખો દિવસ રસ્તા પર આંટા દેતો હું એ જ વાતનો તાગ લેતો હતો. મને લાગ્યું છે કે એ બાપડાં દયા ખાવા લાયક છે. મને નુકસાન કર્યું તે કરતાં સો-ગણું નુકસાન તો તેઓ પોતાને કરી રહ્યાં છે.”

“ઓહોહો શામળભાઈ !” તેજુ આ જુવાનની કરુણાળુ મુખમુદ્રા