“એની નાની નાની બસો-અઢીસો કાપલીઓ છપાવીશ, ને કાલ સવારે મંદિરને દરવાજે લોકોને વહેંચીશ.”
“અરર ! શામળભાઈ.” તેજુના પેટમાં ફાળ હતી.
“શું કરું ? ઉપાય નથી.”
“પણ ચોકમાં તો આખા શહેરનાં લોક ઊમટશે હો !”
“બીજું શું થાય ? મને મંદિરના ઓરડામાં તો કોઈ ઊભો રહેવા ન આપે, ને ભાડે ઓરડો રાખવાના પૈસા ક્યાંથી કાઢું ?”
“આજ ને આજ કોઈ આ છાપી દેશે ?”
“હા. હા. શહેરમાં આટલાં બધાં છાપખાનાં છે ને ?”
એ એક અનુભવ બાકી રહી ગયો હતો. તેજુ અને શામળ ઉત્સાહની પાંખો પર ઊડતાં ચકલાં સરખાં, છાપખાને છાપખાને ભમ્યાં. ઘણાખરા માલકોએ તો લખાણ વાંચીને ‘હાલતો થા હાલતો, મવાલી !’ એટલાં જ વિદાય-વચન સાથે શામળને રવાના કરી દીધો. પણ એક છાપખાનાવાળાએ એને સમસ્યાની સમજ આપી કે, “ભાઈ, એ બધા લખપતિઓની કંપનીઓનાં અમને સહુને મોટાં કામો મળતાં બંધ થાય, ને એ ઉપરાંત કઈ ઘડીએ તેઓ અમારા ઉપર કેસ માંડીને અમને પાયમાલ કરે એ પણ વિચાર પડતી વાત.”
“પણ છાપામાં તો અનેક કાળાધોળાં ને બદનક્ષી કરનારાં લખાણો છપાય છે. તેનું કેમ ?”
“છાપાંવાળા તો સામે માથું ભાંગે તેવા હોય છે, ભાઈ ! ને તું તો કહેવાય રઝળુ.”
“પણ ત્યારે મારે શું કરવું ? કંઈક રસ્તો બતાવશો ?”
“તું એકલો આખી રાત બેસી શકીશ ?”
“હા, હા, કહો ને ?”
છાપખાનાવાળાએ પોતાની પાસે પડેલી કેટલીક રદ્દી કાપલીઓની એક થોકડી કાઢી. ચારપાંચ તાસ કૉપિંગ કાગળના આપ્યા, ને બે પેનસિલો દીધી. પછી કૉપીઓ કેવી રીતે કાઢવી તે યોજના