લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
170
સત્યની શોધમાં
 


અગિયારના ડંકા પડ્યા – ને આપણો જુવાન જલ્લાદ લાગ તપાસીને ખડો થયો. સભા વિસર્જન થઈ. સહુથી પહેલા બહાર નીકળનાર હતા લીલુભાઈ શેઠ. થરથરતા પગને સ્થિર કરી, ગળામાં ભરાયેલ ડૂમો સાફ કરી દેહની નસેનસમાંથી બધું કૌવત જીભમાં એકત્ર કરીને શામળા બોલ્યો : “આ લેશો, સાહેબ ?”

એ સાથે જ પોતાના હાથમાંની એક કાપલી શેઠસાહેબના હાથમાં સેરવતો, પોતાનું મોં પણ શેઠ જોવા પામે તે પહેલાં તો સરકીને શામળ આગળ વધ્યો. એક પછી એક નીકળતા સદ્‌ગૃહસ્થ-સન્નારીને ‘લેશોજી ?’ ‘આ લેશોજી ?’ કહેતો એક્કેક કાપલી વહેંચતો વંટોળિયાની માફક ઘૂમે રહ્યો.

– અને જાણે કે લાય લાગી. કોઈ મોટે અવાજે, કોઈ ભ્રૂકુટિ ચડાવીને, કોઈ પાંચ-દસ જણાં મળીને, એમ કાપલીઓ વાંચવા લાગ્યાં. પડાપડી બોલી. જેમ કોલાહલ વધ્યો તેમ શામળે ઝડપ રાખી. ‘લ્યો સાહેબ ! લ્યો બહેન ! બીજાંને વંચાવજો ! બને તેટલાને કહેજો ! સભામાં આવજો !’ એવા શબ્દો કહેતો એ જાણે કે ભુલભુલામણી રમતો હતો.

દોઢસો કાપલીઓ વહેંચાઈ, ને અવાજ પડ્યો કે, ‘એ બદમાશ છે, પકડો એને ! રોકો એને !’

એ અવાજ શેઠશ્રી લીલુભાઈનો હતો.

માણસો અને પટાવાળાઓ દોડ્યા. શામળ તો એ સમુદાયમાં સડેડાટ ફરતો હતો. પત્રિકાની આગ પ્રસરતી હતી. માણસો એને ઝાલી શકે નહીં એવી વાંકીચૂકી એની ગતિ હતી. એની જીભ પણ નવરી નહોતી; એ બોલ્યે જ જતો હતો કે –

“વાંચો, સાહેબ ! બને તેટલા બીજાને વંચાવો ! પાપાચારીઓને સંપ્રદાયમાંથી કાઢવા જોઈએ !”

એકાએક એની થોકડી ઉપર એક પંજો પડ્યો. એ હાથ હતો ખુદ હરિવલ્લભ દેસાઈસાહેબનો. એવો મોટો પુરુષ પોતે ઊઠીને નાના છોકરાની સાથે કાપલીઓ ઝૂંટવવા માટે ભવાં ચડાવી ઝપાઝપી કરવા