પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભિખારો
9
 2
ભિખારો

પાટા ઉપર શામળ ચાલ્યો જાય છે ત્યારે એ વારંવાર પોતાની ભરાવદાર ભુજાઓને તેમ જ કાંડાંને નિહાળતો જાય છે. આવા મસ્ત અને તંદુરસ્ત શરીરથી હું શું શું નહીં કરું ! અરે ! ચાહે તેવું મજૂરીનું કામ પણ હું ખેંચીશ.

આવા વિચારમાં રમતો રમતો એ જુવાન પુરુષાર્થના કોડ ઉછાળતો પગલાં ભરે છે; અને મોટા ભાઈએ ‘બળદિયાનું ખેતરમાં કામ છે’ કહી ગાડું પણ સ્ટેશન સુધી ન જોડી દીધું એ ક્ષુદ્ર વાતની વેદનાને પોતે આ બધા થનગનાટમાં ક્યાંયે વીસરી ગયો છે.

અર્ધોક પંથ કાપ્યો હશે ત્યાં શામળે પાટાની નજીક એક કોલસીના ટેકરા ઉપર એક પોતાની જ ઉંમરના જુવાનને બેઠો બેઠો ભાઠામાં રોટલો શેકતો દીઠો. પાસે જ રેલગાડીના એન્જિનને પાણી લેવાની ટાંકી હતી. બેઠેલા જુવાનને કપાળે તિલક હતું, ગળામાં આઠદસ માળાઓ હતી. લંગોટ પહેરેલો. પાસે ચીપિયો ને ઝોળી હતાં.

“કાં ભાઈ !” અજાણ્યા જુવાને પૂછ્યું, “આમ કેમ પગપાળા ખૂંદ્યે જાઓ છો ? કસબ હજુ બરાબર હાથ બેઠો લાગતો નથી.”

“કેમ ?” શામળને સમજ ન પડી.

“ક્યાં સુધી જવું છે ?”

“નવીનાબાદ.”

“તે શું ઠેઠ નવીનાબાદ સુધી માટી ખૂંદતાં જાવું છે ?”

“ના, આગલા સ્ટેશનેથી ટિકિટ કઢાવીશ.”

"શું બેસશે ટિકિટભાડું ?”

"છ રૂપિયા ને બાર આના.”

"રૂપિયા ખીસામાં ઊભરાતા લાગે છે !”

“હા, મારી પાસે છે – છે.” શામળ ગર્વથી બોલ્યો.