પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
174
સત્યની શોધમાં
 

શામળના શરીર પર મારપીટ તો નહોતાં પડ્યાં ને ! બંને ત્યાંથી ચાલ્યાં ત્યારે તેજુના મોં પર શામળે ઊર્મિઓનો આવિર્ભાવ દીઠો. વિનોદિનીના બંગલાની સુખની નોકરીએ ઉપસાવી દીધેલ એના ગાલો ઉપર છૂંદણાંની ટીબકીઓ શામળે તે સમયે પહેલી જ વાર દીઠી. તેજુ તરફ પ્રગટેલા વહાલમાં કરુણાની છાંટ ભળેલી હતી, ને તે મિલાવટ આજે કેવી મધુર ભાસતી હતી !

તેજુની આંખોમાં એણે ઝળઝળિયાં દેખ્યાં : “કેમ ! તું રડે છે, તેજુ ?”

“ના, ના.”

“ત્યારે ?”

“કંઈ નહીં.”

એ કોઈ અનન્ય પ્રકારના ક્રંદનનો ભાવ હતો. જ્યારથી તેજુએ શામળને મંદિરના ચોગાનમાં અનેક દુશ્મનોથી વીંટળાઈને ઘૂમતો ને માર ખાતાં ખાતાં બચતો ભાળ્યો, જ્યારથી વિકરાળ વનરાજ જેવા પોલીસ અધિકારી મિ. બાટલીવાલાની ફાડી ખાનારી ત્રાડના શાંત એકધારા જવાબો દેતો એને સાંભળ્યો, ત્યારથી તેજુ કોઈ નિગૂઢ ઊર્મિઓથી વ્યાકુળ બનીને એની રક્ષા સારુ પ્રભુને વીનવી રહી હતી.

સાંજે સવારવાળો લંગડો આદમી ઠબાક ઠેબાક ઘોડીનો અવાજ કરતો આવી પહોંચ્યો. એને જોતાં જ શામળને નવાઈ લાગી. મનમાં થયું કે, હું એકલો નથી, મને સાથી મળી જ રહેશે; નહીં તો આ મદદગાર લંગડે પગે છેક આંહીં શા સારુ પહોંચે ?

શામળે એને કહ્યું : “ભાઈ, તમારું કહેવું સાચું પડ્યું. મંજૂરી ન મળી.”

“ન જ મળે. મને નવાઈ નથી લાગતી.”

“કેમ ? શું રહસ્ય છે આમાં ?”

“તમારા ધરમના હાકેમોએ પોલીસને સાધેલ છે. તમારા માથે ડોળા રાખવાનું પણ કહેવાઈ ગયું હશે.”