પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'બાજે ડમરુ દિગંત'
185
 

ઊભવાય નહીં આપે; છતાં હું બોલવા ઊભો થઈશ.”

બીજો એક દમલેલ ઊઠ્યો : “હું લીલુભાઈની મિલમાં જ સંચો હાંકું છું, બુઢ્‌ઢો છું. મને કાઢી મૂકશે તો ફરીથી રોટલો બાંધવો સહેલ નથી. છતાં હું પણ તૈયાર છું.”

એક જુવાન ઊઠ્યો : “મારો બાપ ટપાલખાતામાં સૉર્ટર છે. એને દમદાટી પહોંચી ગઈ છે. તોપણ હું તો બોલવાનો.”

એ રીતે લૂલા, લંગડા, કાણિયા, દમલેલ, ક્ષયગ્રસ્ત, ભૂખમરાથી હાડપિંજર બની ગયેલાં એ દોઢસો-બસો જણાંની આ સભાએ બલિદાનની તૈયારી નોંધાવી. શામળ નિહાળી રહ્યો : આ ભાવના ! આ મરણિયાપણું ! અને તે પણ આવાં, સમાજને ઉકરડે દટાયેલ સ્ત્રી-પુરુષોનું ! ન મળે લાગણીવેડા, નથી આંસુની ધાર, નથી શાબાશીના પોકાર, નથી કોઈ ઉશ્કેરાટ; ઠંડુંગાર મૃત્યુ, અક્કેકની પછવાડે બચ્ચાં-ઓરત રઝળી પડે તેમ છે. સ્વાતંત્ર્યની આ ભક્તિનો એક શતાંશ પણ દીઠો હતો એ ભુવનેશ્વર હિલ પરના ગદ્‌ગદિત જૂઠ-જીવનમાં ?

“ભાઈઓ, બહેનો !” હજારીલાલે સમાપ્તિના બોલ સંભળાવ્યા, “દરેક કાળે, દરેક યુગે, દરેક દેશમાં આમ જ બનતું આવ્યું છે. દુનિયાને આગળ ડગલું ભરાવનારા તમામને મરવું ને પિસાવું પડ્યું છે. આપણે કશી નવાઈ કરતા નથી. માટે સોગંદ લો છો તે પાળજો. શહેરી તરીકેના આપણા હક્કનો સ્વીકાર થાય નહીં ત્યાં સુધી એ આહુતિનું આસન ખાલી પડવા દેશો નહીં. અખંડ ધારા ચાલુ રાખજો.”

એ જ વખતે એક ખૂણામાંથી એક ગીતના સૂરો ઊઠ્યા, બીજા તમામે એ ઝીલવા માંડ્યું. સામટા બસો કંઠનો ગહેરો નાદ જાણે છાપરું ઉરાડી દેશે એટલો જોશીલો બન્યો :

બાજે ડમરુ દિગન્ત, ગાજે કદમો અનંત,
આઘે દેખો, રે અંધ ! ચડી ઘોર આંધી;
દેશદેશથી લોક, નરનારી થોકેથોક,
ઉન્નત રાખીને ડોક, આવે દળ બાંધી.