પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'બાજે ડમરુ દિગંત'
189
 

અંતરમાં અત્યારે ઊછળતા આખા વ્યાખ્યાનને કોઈ બુલંદ અવાજ ઉઠાવી જઈને ઘેર ઘેર પહોંચાડી આવે ! દુનિયા આખીને કોઈ રણશિંગું બનીને કહી આવે ! મારા હૃદયમાંથી મારે કેટકેટલું ઠાલવવાનું છે ! લોકોની સમક્ષ હું ટકી શકીશ ? સત્ય કહી શકીશ ? મારું અભિમાન તો એમાં નહીં ભળી જાય ને ?’ જેમ જેમ સમય નજીક આવતો ગયો તેમ તેમ એના હાથપગ પાણી પાણી થતા ગયા.

સાડા સાતને ટકોરે ટુકડી એને લઈ ચાલી : શામળની એક બાજુ હજારીલાલ, બીજી બાજુ ડૉ. દામજી; પાછળ તેજુની મા, રૂડીબહેન ને તેજુ; એની પાછળ ઘુસાભાઈ ને જાફરભાઈ. તમામ એને ફૂલની માફક સાચવીને લઈ ગયાં.

ચોકમાં મેદની માતી નથી. ચારેય રસ્તા પણ ઠાંસોઠાંસ ભર્યા છે. બાજુની વંડીઓ, ઝાડની ડાળીઓ, મેડીની અગાસીઓ. ક્યાંયે જગા નથી.

રસ્તાને એક ખૂણે બીજા દસ ‘ભાઈઓ’ ઊભા છે. તેઓએ શામળભાઈ આવતાં જ એની આસપાસ ગઢ કરી લીધો. આઠને ટકોરે મંડળી સભાસ્થાન વચ્ચે જઈ પહોંચી.

કામ કેમ લેવાનું છે તેની ઝીણામાં ઝીણી બાજી નક્કી થઈ ગઈ હતી. શામળભાઈને તથા હજારીલાલને બને તેટલા દિવસ સુધી બચાવી લેવાના હતા.

નક્કી થયા મુજબ પહેલી આહુતિ માટે ડૉ. દામજી દેવદારનાં ખોખાંની વ્યાસપીઠ પર ઊભા થયા.

“શહેરી ભાઈબહેનો !” એણે કાંસાના ઘંટ-શા સ્વચ્છ રણકારવાળા કંઠે પુકાર્યું : મેદની પર શાંતિની ચોટ લાગી. “આપણે આજે અહીં એક જરૂરી કામે મળ્યાં છીએ.”

તુરત એક પોલીસ અધિકારી એના તરફ ચાલ્યો, પૂછ્યું : “આ સભા ભરવાની રજાચિઠ્ઠી છે તમારી કને ?”

“અમને ના પાડવામાં આવી છે. અમે કાયદાને આજ્ઞાંકિત નગરજનો તરીકે આંહીં અમારાં દુઃખોનો અવાજ દેવા આવેલ છીએ.”