પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
190
સત્યની શોધમાં
 

“તમારાથી નહીં બોલાય.”

દામજીભાઈએ પ્રથમથી કરેલી યોજના મુજબ આ પ્રારંભિક વ્યાખ્યાનમાં જ કેટલીક વાતો ઉપાડવાનું ચાલુ રાખ્યું.

“ભાઈઓ ને બહેનો, લક્ષ્મીનગરના શહેરશાસનમાં રુશવતો અપાઈ છે.”

“તમે ન બોલો.” પોલીસે તીક્ષ્ણ અવાજ દીધો.

“હરિવલ્લભ દેસાઈસાહેબે પાણીના સસ્તા દરની યોજના તોડાવવા વીસ હજાર ચાંપ્યા છે.” દાક્તરે ચાલુ રાખ્યું.

“નીચે ઊતરો.” પોલીસે હુકમ દીધો. દાક્તરે ન ગણકારતાં ચાલુ રાખ્યું :

“એ તહોમત વિશ્વબંધુસમાજની કમિટી સમક્ષ રજૂ થયેલું. તેઓએ તપાસ કરવા ના પાડી, એક અનુયાયીને સંપ્રદાયમાંથી કાઢી મૂક્યો, એટલે આપણે આજે –”

એટલામાં દાક્તરને નીચે ઘસડી ગરદન પકડી લઈ જવામાં આવ્યા.

બાજુમાં એક ઝાડના થડનું ઠૂંઠું હતું તેના ઉપર એક આદમી ઊભો થયો. એ હતો લંગડો ઘોડીવાળો. એણે ત્યાંથી અવાજ ઉઠાવ્યો :

“અને ભાઈઓ ! હરિવલ્લભ દેસાઈસાહેબે રૂપિયા વીસ હજાર વહીવટના પ્રમુખને ચાંપી, પાણીનો કંત્રાટ પોતાને હાથ રાખ્યો. એમાંથી એ મહિને દસ હજાર રળે છે. ને લીલુભાઈ શેઠે નાનાં બચ્ચાંને કારખાનામાં દાખલ ન કરવા દેવાની દરખાસ્તને તોડાવી પાડી છે. રુશવત દઈને –”

એને પણ નીચે પટકી, એની ઘોડી ઝૂંટવી લઈ, એક જ પગે કુદાવતા, ઘસડતા, પોલીસો ઉઠાવી ગયા.

એ વેળા એક પેટીના ખોખાની ઓથે લપાઈને બેઠેલા શામળે પોતાના સાથી હજારીલાલને એક આદમી તરફ આંગળી ચિંધાડીને પૂછ્યું : “પેલો કોણ છે ?”

“આપણો ‘ભાઈ’ નથી; કોઈ મવાલી છે.”