પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
192
સત્યની શોધમાં
 

કોલાહલ મચી ગયો છે. અનેક લાકડીઓની ફડાફડી સંભળાય છે. માણસોની ખોપરીઓ ફૂટતી જણાય છે. પછી તો પોતાના જ લોહીના ખાબોચિયામાં રગદોળાતે મુખે શામળ બેશુદ્ધિમાં પડ્યો.

દરમિયાન એક પછી એક ત્રણ વક્તાઓ ઊઠી ઊઠીને બોલતા બોલતા પકડાઈ ગયા. દુભાયેલી અસહાય પ્રજા વિરોધી ઉચ્ચારો કરતી રહી. ઓચિંતાનું એ મેદનીમાંથી એક સ્ત્રીનું ગળું ગુંજી ઊઠયું. બીજાઓએ પંક્તિઓ ઝીલવા માંડી. નાદ એટલો બુલંદ બન્યો કે કોલાહલની ઉપરવટ થઈને, મેઘધનુષ્ય-શો એ જાણે નીકળ્યો. એ હતું પેલું પીડિતોનું ગીત :

અમે ખેતરથી વાડીઓથી, જંગલ ને ઝાડીઓથી
સાગરથી ગિરિવરણી સુણી સાદ આવ્યા;
અમે નૂતન શક્તિને ભાન, ગાતાં શ્રદ્ધાનું ગાન,
માનવને મુક્તિદાન દેવા સહુ આવ્યાં.

લોકો શબ્દો તો નહોતા પકડી શકતા, પણ સૂરમાં સૂર પૂરવા લાગ્યા. મેદની ઉપર કોઈ મંત્ર માફક એ સૂરો છંટાયા, અને પોલીસ કેદીઓને ઉઠાવી જતી હતી તેની પાછળ લોકવૃંદ ગાતું ગાતું ચાલ્યું. છેક ચાવડી સુધી ચાલ્યું ગયું.

મેદની ધીરે ધીરે ઓગળી ગઈ. શોર શમી ગયા. ચોગાનમાં ફક્ત એક ભયભીત નાનું ટોળું ઊભું છે. વચ્ચે બે માનવી પડ્યા છે. એમાંનો એક છે શામળ – બેશુદ્ધ અને લોહીતરબોળ; બીજી છે તેજુ – શોકમાં ઉન્માદિની, શામળના હૈયા પર માથું ઢાળી એના કલેવરને બાઝી પડેલી મજૂરબાલિકા તેજુ.

દૂર દૂરથી ચોખ્ખા ગીત-સ્વરો સંભળાતા હતા :

માનવ આત્માની માંહી જુગજુગથી જે છુપાઈ,
ભાઈભાઈની સગાઈ, મુક્તિની પિપાસા;
એ છે અમ અસ્ત્રશસ્ત્ર, કોટિ કોટિ સહસ્ર,
અકલંકિત ને અહિંસ્ત્ર - એ અમારી આશા.