લખાણ પર જાઓ

પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
194
સત્યની શોધમાં
 
1922 રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગની ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.
1923 સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછી લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. 1927 સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.
1928-29 બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.
1929 લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (1928) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.
1930 સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકારે જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સજા થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી–અરવીન કરારને પરિણામે માર્ચ 1931માં જેલમાંથી છૂટ્યા.
1931 ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યું : “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.