પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
12
સત્યની શોધમાં
 

જાગી – કે નક્કી કદાચ આ ડબો કાઢી નાખીને કોઈ સાઈડિંગમાં હડસેલી દીધો લાગે છે.

બેત્રણ ગાડીઓ પસાર થઈ. ને દરેક વખતે એણે આતુરતાથી રાહ જોઈ. પણ ગાડીઓ ન અટકી. એ અંધકારમાં બેસી રહ્યો – વાટ જોતો, દિંગ્મૂઢ અને ભયભીત.

વખત જાણવાનું કશું સાધન નહોતું. પણ અકેક કલાક અકેક યુગ જેવો જતો હતો. એ ઊભો થાય છે, અને પાંજરે પુરાયેલા પ્રાણીની પેઠે આંટા મારે છે. પછી નીચે સૂઈને એ બહારનો ઝીણો સરખો અવાજ પકડવા પણ કાન માંડે છે – એવી આશાએ કે કોઈક નીકળે તો હું પોકારું. પણ ડબાના તોતિંગ કમાડમાંથી કશું જ નથી સંભળાતું.

ભૂખ્યો થયો. પાસે ભાતું હતું તે ખાધું. પણ પછી તરસ્યો થયો. પાણી ક્યાંથી કાઢે ?

એનું કલેજું થરથરી ઊઠ્યું. આ ભયંકર એકાંતે, જડબેસલાખ ડબાની અંદર પુરાયે પુરાયે પાણીની પ્યાસ લાગવી, એ મશ્કરીની વાત નહોતી. એ તસુ તસુ ડગ માંડતું ચાલ્યું આવતું મૃત્યુ હતું. ઊઠીને એણે દીવાનાની માફક કમાડ પર પાટુઓ મારવા માંડી. પછી લોથપોથ થઈને એ પડ્યો. બીજી માલગાડી નીકળી. એણે ચીસાચીસ કરી મૂકી, પણ ગાડીના ખડખડાટમાં કોણ સાંભળે ?

પાણીની તરસ વધતી જાય છે. તરસનો વિચાર જ છોડી દેવા પ્રયત્ન કર્યો, તેમ તેમ તો એ વિચાર બેવડા જોશથી મગજ પર ચડી બેઠો. એને લાગ્યું કે, હું મરી જઈશ. મરતા માણસને ભૂતકાળ યાદ આવે. એને પણ પોતાના જીવનની દરેક ઘડી સાંભરી.

વળી થયું કે આમ ઉંદરડાની પેઠે મરવું બરાબર નથી; કંઈક રસ્તો કરું. ડબાની તસુએ તસુ જગ્યા જોઈ વળ્યો, પણ ક્યાંયે એકેય ચિરાડ ન દીઠી, ન એક પણ પાટિયું ઢીલું માલુમ પડ્યું. ડબો લાકડાનો છતાં નવો જ બનેલો હતો. લાગ્યું કે ભૂખમરાથી નહીં પણ કદાચ વેળાસર ગૂંગળાઈને જ મરી જઈશ. એક છૂરી કે એક ચાકુ મારી પાસે હોત ! –