પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભિખારો
13
 

તો હું ક્યાંઈક બાકોરું પાડીને હવા મેળવત, પણ કશું જ સાધન નહોતું. દરમિયાન ભૂખ અને તરસ વધતાં જાય છે. દરેક ગાડી પસાર થતાં એ અવાજ ફાટી જાય ત્યાં સુધી ચીસો પાડે છે, કમાડ પર પગની લાતો મારે છે, પછી લોથ થઈને પડે છે.

ઘણા કલાકે એક માલગાડી નીકળી. ધીરી પડી, અટકી.

એક પાગલની માફક એણે પછાડા મારવા માંડ્યા, ડબાના દ્વાર સાથે ધક્કામુક્કી અને ચીસાચીસ મચાવી મૂકી. એનું કૌવત નિચોવાઈ ગયું હતું. ઘડીભર થાય છે કે ભારગાડીને ઊભી રહેવા દીધા પછી જ અવાજ કરવા સારુ જોરને સંઘરી રાખું. વળી બીજી ઘડીએ બીક લાગે છે કે ગાડી ઊભી નહીં રહે તો ? એણે પોતાની કારમી ધમાચકડ ચાલુ રાખી.

ગાડી થંભી. ડબાઓ જોડાવાના અને છૂટા થવાના ખણખણાટ સંભળાયા. શામળભાઈના પછાડા અને પોકાર ચાલુ હતા.

“અલ્યા કોણ છે ?” ડબાની પાસે બહારથી ઘોઘરો અવાજ આવ્યો.

“ખોલો ! હું મરું છું ! ખોલો !” શામળનો અવાજ ફાટી ગયો.

“અલ્યા શું છે ?”

“હું પુરાઈ ગયો છું.”

“કેમ કરીને અંદર પેઠો તું ?”

“મને કોઈએ અહીં પૂરી દીધો છે. હું મરું છું.”

“કોણ છે તું ?”

“હું ચાલતી ગાડીએ ચડ્યો હતો.”

“હં ! બેટો ભામટો કે ? ઠીક થયું. બચ્ચાજી એ જ લાગના હશો. હવે અંદર જ બિરાજો.”

“ના, ના, હું ભૂખથી મરી જઈશ. હું આંહીં કેટલા દિવસોથી પુરાયો છું ! મહેરબાની કરીને મને ઉગારો. ફરી કદી હું આવું કૃત્ય નહીં કરું.”

“હં! બહાર કાઢું તો તો તને પોલીસમાં જ સોંપુંને બચ્ચા !”