પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભિખારો
15
 

 “લાવ આંહી, હું ગણી લઉં.”

પડીકું લઈને એ બત્તીવાળો અલોપ બન્યો. બહાર અંધારે ઊભેલા શામળે દોડ્યાં જતાં પગલાંનો અવાજ સાંભળ્યો. ઘડીભર તો એને ગમ જ ન પડી. પછી એણે ચીસ પાડી કે, “મને પાંચ રૂપિયા આપતા જાવ. પાંચ રૂપિયા દેતા જાવ.”

એમ પોકારતો બારણાને ધકેલીને એ નીચે ખાબકી પડ્યો. ગાડી ઊપડી. એણે પેલા બત્તીવાળાને ગાડીના એક આગલા ડબા પર ચડતો દીઠો. એ ગાડીની સાથે સાથે દોડ્યો. દોડતાં દોડતાં તારમાં અટવાઈને એણે બે ગડથોલિયાં ખાધાં, અને ઊભો થયો ત્યારે ગાડીમાંથી પેલી બત્તીને ઝૂલતી જોવાનો સંતોષ લીધો.

પણ એક પલમાં એને ભાન થઈ ગયું. પૈસા ગયા. ભૂખતરસથી પ્રાણ નીકળે છે. આંહીં રાતવેળાનો એકલો અંતરિયાળ હું મરી જઈશ.

એક છલંગ – ને એણે ચાલતી ગાડીના એક ડબાનો હૅન્ડલ ઝાલી લીધો. એ ઉપર ચડી ગયો. એકાદ કલાકે ગાડી ધીમી પડી ને શામળે આખો પ્રદેશ લાલ લીલી પીળી બત્તીઓથી ઝળાંઝળાં થતો દીઠો.

લાગ્યું કે શહેર કોઈ મોટું આવ્યું છે. પરોઢના અજવાળામાં મોટી ઇમારતોના ઝાંખા પડછાયા પણ નજરે પડ્યા.

ઊતરીને લથડતે પગલે શામળ પાટે પાટે ચાલીને સ્ટેશનની એક ઑફિસમાં દાખલ થયો. કોઈ આદમી લખતો હતો તેને પૂછ્યું :

“મહેરબાન, અહીં પાણી પીવા મળશે ?”

“સામેના ખૂણામાંથી લઈ લે.” ઊંચું માથું પણ કર્યા વિના એ ભાઈએ કહ્યું.

પાણી એને અમૃત સરખું લાગ્યું. પેટ ફાટફાટ થતાં સુધી એણે પીધા કર્યું. પછી એ ઊભો, બીતાં બીતો બોલ્યો : “મારે તમને એક વાત પૂછવી છે, મહેરબાન.”

“શું છે ?”

“હું લાંઘણો કરીને મરવા ઉપર આવ્યો છું. કશું ખાવાનું જ કેટલા