પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખ્યો છું
17
 

શામળથી રહેવાતું નહોતું. એણે પૂછ્યું : “ભાઈ, કશુંક કામ આપો તો હું કરી દઉં.”

જવાબમાં દુકાનદારે માથું ધુણાવ્યું.

શામળ આગળ ચાલ્યો. ઠેર ઠેર દુકાનો ઊઘડી રહી હતી. દુકાને દુકાને એણે કામની માગણી કરી – જે કંઈ કામ, મહેનતમજૂરીનું, ખાંડવાનું, ઝાડું કાઢવાનું, પાણી ભરવાનું – જે કશું હોય તે આપો ! જવાબમાં નકાર જ મળ્યો.

ઠેકઠેકાણેથી ઘી-તેલમાં તળાઈ રહેલી મીઠાઈઓની, હોટલમાં રંધાતાં શાકપૂરી કે ભજિયાંની સોડમાં આવતી હતી. શામળ ટહેલતો હતો. એનું જઠર અંદરથી ઊઠી ઊઠીને જાણે ધસતું હતું. પણ ભીખ કેમ મંગાય ? હું ભીખ નહીં જ લઉં. હું કામ શોધી કાઢીશ.

દુકાને દુકાને એ રઝળ્યો. કોઈ ઠેકાણે સભ્ય નકાર સાંભળતો, તો કોઈ ઠેકાણે ધુતકાર પામતો શામળ પાટક્યો. કોઈએ એને પૂરી એક મિનિટ પણ ઊભો રહેવા ન દીધો. ચાલતો ચાલતો એ ગોદામોમાં ગયો. ત્યાં થોકેથોક ડબા ખાલી થતા દીઠા. બસ, આંહી તો અંગમહેનતનું કામ છે. અહીં તો અઢળક માલ ઊતરે છે ને ચડે છે. આંહી કાંઈ કામ મળ્યા વિના થોડું રહેવાનું છે ?

બાંયો ચડાવીને મુકાદમ ઊભો હતો તેને શામળે કહ્યું : “મને પણ કશીક મજૂરી આપોને ?”

“મારે તને કેટલી વાર ના પાડવી ?” મુકાદમ તાડૂક્યો.

“ક્યારે ! – કેટલી વાર ! – હું તો આંહીં હજુ પહેલવહેલો જ આવું છું, ભાઈસા’બ !” શામળે હેબતાઈને કહ્યું.

“કોણ જાણે ! તારા જેવા તો અઢારસો રોજ હાલ્યા આવે છે. મને શું ખબર કે તું નહીં હો ! ચાલ, રસ્તો પકડ, કામ આંહીં નહીં મળે.”

“તારા જેવા અઢારસો હાલ્યા આવે છે.” એ એક જ વાક્યે શામળને ભાન કરાવ્યું કે આ આલેશાન બજારોમાં ચાલતાં પોતે પોતાના જેવા કંગાલ દેખાતા અનેક માણસોને દીઠા હતા, એ બધા જ શું ધંધો