પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખ્યો છું
21
 

દારૂડિયાઓ નશો કરીને પછી આરોગે છે તે હલકા ફરસાણનો ઢગલો દેખાડ્યો. શામળે એ ગંધાતો ઢગલો દીઠો. જઈને એ ભૂખ્યા વરુની માફક આરોગવા લાગ્યો. કોઈ ગાંડપણ જાણે એને અંગે અંગે પ્રવેશી ગયું હતું.

એના રાક્ષસી કોળિયા અને ફાટ ફાટ થતાં ગલોફાં સામે પીઠાવાળો નોકર તાકી રહ્યો, પછી બોલ્યો : “હવે ભલો થઈને ભાગવા માંડ.”

“ભલા થઈને મને પૂરું ખાવા દ્યો.”

“આટલી ભૂખ !”

“હું પુરાઈ ગયો હતો માલગાડીના ડબામાં – બે દહાડાનો લાંઘણ્યો છું. મારા પૈસા ઉઠાવી ગયો ગાડીવાળો. એમ ન માનશો કે હું ભિખારી છું. ના. હું ભિખારી નથી. કાળી મહેનત-મજૂરી કરીને પણ હું તમને નાણાં ભરી દઈશ.”

“હં ! ભિખારી નહીં; જાટલીમેન !” પીઠાવાળો હસ્યો, “ઠીક, ખા ખા તું તારે, દોસ્ત ! કોના બાપની ગુજરાત છે !”

“મારે લાયક કંઈ કામ નથી તમારે ત્યાં ? હું લાકડાં ફાડી દઉં. એંહ આમ તો જુઓ, આ મારાં બાવડાં !” એમ કહીને શામળે બાંયો ચડાવી.

“અમે લાકડાં બાળતા જ નથી.”

“તો કાંઈ સાફ કરવાનું ? માંજવા ઊટકવાનું ? જુઓને આ ભોંય કેટલી ગંદી છે ? હું ઘસીને સાફ કરી આપું તો ?”

“ના, એ તો અમે રોજ સવારે સાફ કરાવીએ છીએ.”

“તો ઠીક, હું સવારે આવીશ.”

“અરે મૂરખા! મારી સલાહ માને તો આ શહેરમાંથી જલદી બહાર નીકળી જા. આ લક્ષ્મીનગર શહેરમાં કામધંધા કેવા ?”

“લક્ષ્મીનગર શહેર !” શામળના કાન ચમક્યા, “આ લક્ષ્મીનગર શહેર છે ?”

“તું ક્યાં છે તેનુંયે તને ભાન નથી ?”