પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
22
સત્યની શોધમાં
 

 “મને ખબર નહોતી, ભાઈ ! આ પોતે જ લક્ષ્મીનગર શહેર – કાચના મોટા કારખાનાવાળું ?”

“એ જ.”

“લક્ષ્મીનંદન શેઠ શું અહીં જ રહેતા ?”

“કાં ? એનું શું કામ પડ્યું તારે ?”

“ના. કામ નહીં. પણ મારા બાપુએ તમામ મૂડી એ લક્ષ્મીનંદન શેઠની કંપનીમાં જ મૂકેલી, અને ગુમાવેલી.”

"ઠીક, ત્યારે તો તમેય લા’ણમાં આવ્યા છો બેટમજી, એમ ને ? કોઈને – કોઈ કરતાં કોઈને – મારે દીકરે કોરા નથી રહેવા દીધા !”

“એને કારખાને જઈને હું મારા બાપની મૂડીની વાત કરું, તો કદીક છે ને એ લોકો મને રોજી આપશે, ખરું ?”

“હા, કદીક છે ને આપે તે – ફક્ત કારખાને જ હમણાં તાળાં લાગેલાં છે એટલો જરીક જ વાંધો છે.”

“કારખાને તાળાં ?” શામળ હેરત પામ્યો. “એના મોતને લીધે હડતાલ હશે.”

“ના, એ તો હરસાલ ઉનાળે બંધ કરે જ છે. આ સાલ વેળાસર તાળાં માર્યાં, કેમ કે સમય બાલિસ્ટર છે ને !” પીઠાવાળાએ ‘સમય બારીક’ને બદલે છટાથી સંસ્કારી રીતે ‘બાલિસ્ટર’નો શબ્દપ્રયોગ કર્યો. “એટલે તારા જેવા રોજી શોધનારા તો અત્યારે ઠેબે આવે છે. સૂતરની મિલો પણ કાપડ વધી પડવાથી બંધ છે.”

એ જ વખતે બે ઘરાકો આવીને પીઠામાં પેઠા. એ બંનેની જબાનોએ દારૂની દુર્ગંધને આંટે તેવી સરસ્વતી વહેતી મૂકી. શામળ ભાગ્યો – કહેતો ગયો કે : “સવારે હું ભોંય સાફ કરવા આવીશ.”

કલેજાં ચીરી નાખે તેવો પવન વાતો હતો. જેઠ માસનો પહેલો વરસાદ વરસતો હતો. શામળ પાસે ઓઢવા-પાથરવાનું કશું નહોતું. ઘરો બધાં બંધ થઈ ગયાં હતાં. એ ભીંજાતો ને થરથરતો ઓથ જોતો ચાલ્યો. એક દરવાજો ઉઘાડો દેખીને અંદર જઈ લપાયો. પડ્યાં પડ્યાં એને કંઈ