પૃષ્ઠ:Satyani Shodh Ma.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂખ્યો છું
23
 

કંઈ વિચારો આવ્યા. આ લક્ષ્મીનગર ! અહીં સેંકડો ભૂખે મરે છે ? હું અહીંથી ક્યાં જાઉં ? મને કોણ લઈ જશે ? આખરે મારે તો ભીખ માગીને જ પેટ ભરવું પડ્યુંને ! અને તે પણ કયા ઠેકાણે ? દારૂના પીઠામાં !

બહાર કોઈનાં પગલાં બોલ્યાં. ચોકીવાળો પોલીસ ઉઘાડી ખડકી તપાસવા આવ્યો. અંધારામાં શામળે પગ ટૂંકો કરતાં જ પોલીસે એને ટપાર્યો : “કોણ એ ?”

“એ તો હું.” શામળે નવલશા હીરજીની પેઠે જવાબ વાળ્યો.

“તું કોણ ?” પોલીસે પડકાર કર્યો, “ઊભો થા.”

શામળ ઊઠ્યો. પોલીસનો હાથ એની ગરદન પર પડ્યો : “કોણ છે તું ?”

જવાબ આપે તે પહેલાં તો એને પોલીસ બત્તી પાસે ખેંચી ગયો, ચહેરો નિહાળીને કહ્યું: “હં ! ભાઈશ્રી તાલમબાજ ! પધારો પધારો, મુરબ્બી !”

“પણ મહેરબાન ! હું કોઈને કશી જ અડચણ કરતો નથી. હું તો અહીં છાનોમાનો પડ્યો છું.”

“હં ! છાનોમાનોવ ! રાતમાં ગણેશિયો વાપરવા સારુ, કેમ ? ચલાવ ! ચાલાકી છોડીને આગળ થઈ જા.”

“પણ ક્યાં ?”

“ગેસ્ટ હાઉસમાં, બીજે ક્યાં ?” કહીને પોલીસે શામળભાઈને ઉઠાવ્યા.

“તમે મને કેદ તો નહીં પકડોને મહેરબાન ?” શામળને પેટમાં ફાળ પડી ગઈ.

“શા સારુ નહીં ?”

“પણ મેં કંઈ જ નથી કર્યું. હું ત્યાં સૂતેલો એ તો નિરુપાયે –”

એમ કહીને શામળે ઊભા રહેવા જોર કર્યું. પોલીસે પહોળા પંજામાં એની બોચી દબાવીને વળ દીધો : “મેથીપાક ખાવો છે કે, બચ્ચાજી ?”

શામળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો : “મને શા સારુ કેદ પકડો